ઊંઝા માર્કેટયાર્ડ સપ્તાહ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય
- કોરોના મહામારી સંક્રમણ અટકાવવા
- વેપારીઓ મળેલી બેઠકમાં કોરોનાની સમીક્ષા કરી કૃષિમાલ નહી ઉતારવા તેમજ હરાજીથી અળગા રહેવા નિર્ણય
ઊંઝા,તા.16 જુલાઈ 2020, ગુરૂવાર
કોરોનાની મહામારીને કંટ્રોલ કરવા માટે ઊંઝા માર્કેટયાર્ડ આગામી અઠવાડીયા માટે સ્વયંભૂ લોકડાઉન થઈ રહ્યું છે. વેપારીઓની આજે મળેલી બેઠકમાં કોરોનાની સમીક્ષા કરી કોઈપણ કૃષિમાલ માર્કેટયાર્ડમાં નહિ ઉતારવા તેમજ હરાજીથી અળગા રહી માર્કેટયાર્ડ સ્વયંભૂ અઠવાડીયા માટે લોકડાઉન કરવા નિર્ણય જાહેર કર્યો છે.
ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનની કારોબારીની મળેલી બેઠકમાં આજે પ્રમુખ પદે જ્યંતિભાઈ શંકરભાઈ પટેલ તથા મંત્રી પદે નટવરભાઈ શંકરભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ બે વર્ષ માટે વરણી બાદ કોરોનાની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ખેડૂત માલોનું કારોબાર કરતા ૧૫૦૦થી વધુ વેપારીઓએ આગામી તા.૧૯-૭-૨૦૨૦થી ૨૫-૭-૨૦૨દ૦ સુધી અઠવાડીયા માટે તમામ વેપારી કામકાજ બંધ રાખી માર્કેટયાર્ડ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગોડાઉનો તથા માર્કેટયાર્ડોમાં ખેડૂતો માલો નહિ ઉતારવા તથા સેમ્પલથી પણ વેપાર બંધ રાખવા તેમજ હરાજીથી પણ અળગા રહી કારોબાર સ્વયંભૂ બંધ રાખી લોકડાઉનનું પાલન કરવા માટે એસોસીએશને વેપારીઓને અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાની ૧૨૦૦૦ બોરી વરિયાળીની ૩૦૦૦ બોરી તથા ઈસબગોલની ૫૦૦૦ બોરી તથા તલની ૧૦૦૦ બોરી તેમજ મેથી, સુવા સહિત દૈનિક ૨૦ થી ૨૨ હજાર બોરી માલોની આવક આવી રહી હતી. માર્કેટયાર્ડમાં રાજસ્થાન તથા મધ્યપ્રદેશ તથા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાંથી અનેક વેપારીઓ-ખેડૂતોની આવનજાવન સંદર્ભે કોરોનાનું સંક્રમણ ઓછુ કરવા માટે વેપારીઓએ આજે નિર્ણય લઈને સ્વયંભૂ લોકડાઉન અઠવાડીયા માટે જાહેર કરવામાં આવેલ છે. બહારથી આવતા ખેડૂતો તથા વેપારીઓને પણ આ બાબતે જાણ કરવા સ્થાનિક વેપારીઓને તાકિદ કરવામાં આવી છે.
લોકડાઉનમાં વેપારી મહામંડળનો ટેકો
સ્વયંભૂ લોકડાઉનમાં ઊંઝા વેપારી મંડળે પણ ટેકો જાહેર કર્યો અને લોકડાઉન દરમિયાન કોઈપણ વેપારી વેપાર કરતાં પકડાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું ઊંઝા વેપારી મંડળના પ્રમુખ ભાનુભાઈ જોષીએ જણાવેલ છે.