ઉંઝાઃ વિપક્ષી કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા મામલાની પાલિકાની પીટીશન હાઇકાર્ટે ફગાવી

- પિટીશન માટે થયેલ એક લાખનો ખર્ચ પાલિકાની તિજોરી ઉપર નંખાયો હોવાનો આક્ષેપ

ઊંઝા,તા.28

ઊંઝા નગરપાલિકા દ્વારા વિપક્ષી કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાના મામલે કરેલી પીટીશન નામદાર હાઈકોર્ટે ફગાવી દેતાં સત્તાવર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ મામલે વિપક્ષી કોર્પોરેટરે રાજકીય કિન્નાખોરી ગણાવી હલકી પ્રવૃત્તિઓને બદલે નગરના વિકાસ તરફ લક્ષ આપવું જોઈએ તેવી ટીકા કરી હતી. સાથે સાથે સભ્યપદ રદ કરવા માટે કરેલી એલપીએ પિટીશન માટે થયેલ એક લાખ રૃપિયાના ખર્ચનું ભારણ પાલિકાની તિજોરી ઉપર નંખાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

ઊંઝા નગરપાલિકામાં વોર્ડ-૨ના પ્રતિનિધિ કોર્પોરેટર ભાવેશભાઈ પટેલે જણાવેલ છે કે, કોરોનાકાળ દરમિયાન પાલિકાના સત્તાધારી બોર્ડ સામે કેટલાક કિસ્સાઓમાં વિરોધ દર્શાવતાં મામલો મ્યુનિ. કમિશ્નર કચેરી સુધી લાંબો થયો હતો. જેમાં એક સમયે સત્તાધારી પક્ષે સત્તાની જોહુકમીથી સભ્યપદેથી દૂર કરવા હૂકમ કર્યો હતો.

જેને ભાવેશ પટેલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને નામદાર હાઈકોર્ટે હુકમ સામે કાયમી ધોરણે સ્ટે આપેલ છે. આ સંદર્ભે તાજેતરમાં પાલિકાએ ફરીથી હાઈકોર્ટની ડબલ ખેચમાં અપીલ કરી એલપીએ પીટીશન દાખલ કરી હતી. જેની સુનાવણી થતાં નામદાર હાઈકોર્ટે પાલિકાની અપીલને ખારીજ કરી ડિસ્પોજ કરી દેતાં સત્તાધારી વર્તુળોમાં સોપો પડી ગયો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન થયેલ એક લાખ રૃપિયા ખર્ચનું ભારણ પાલિકાની તિજોરી ઉપર નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તેનો પણ વિરોધ વ્યક્ત કર્યો છે. અને સમગ્ર મામલો યેનકેન પ્રકારે કોર્પોરેટર પદેથી દૂર કરવા પાલિકાના પ્રયાસોને નિષ્ફળતા મળતાં છેવટે સત્યનો વિજય થયો હોવાનું વિપક્ષી કોર્પોરેટરે જણાવેલ છે.

City News

Sports

RECENT NEWS