ઘ-૦ પાસે કારમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
ગાંધીનગર, તા. 23 જૂન 2020, મંગળવાર
લોકડાઉનમાં છુટછાટ મળતાંની સાથે જ દારૂની ખેપ મારતા શખ્સો સક્રિય થઈ ગયા છે અને દેશી વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ છે ત્યારે ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ઈન્ફોસીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કો. સિધ્ધરાજસિંહને બાતમી મળી હતી કે ચિલોડા તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ગાંધીનગર તરફ આવી રહયો છે. જે બાતમીના પગલે પોલીસે ઘ-૦ પાસે ગાડીને કોર્ડન કરી હતી અને તેમાં સવાર મુકેશ રૃપલાલ અહારી રહે.સે-ર/એ અને મનોજ ધનજીભાઈ રાઠોડ રહે.સે-ર/સી પ્લોટ નં.૧પ૮૬/૧ને પકડયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની ૩૯ બોટલ મળી આવી હતી.
કાર, મોબાઈલ અને દારૂ મળી ર.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા તપાસ શરૂ કરી હતી.