Get The App

ચાણસ્મા ડેપોમાં બે એસટી ટકરાતાં મુસાફરોમાં અફડાતફડી મચી

- ઈડર જતી બસને રિવર્સ વખતે સર્જાયો અકસ્માત

- બન્ને બસના ડ્રાઈવરની જવાબદારી મામલે તૂ..તૂ..મેં..મેં..જામી પડી

Updated: Jun 30th, 2022

GS TEAM


Google News
Google News
ચાણસ્મા ડેપોમાં બે એસટી  ટકરાતાં મુસાફરોમાં અફડાતફડી મચી 1 - image

મહેસાણા, ચાણસ્મા તા.29

મહેસાણા એસ.ટી.વિભાગના ચાણસ્મા ડેપોમાં આજે સવારે રિવર્સ લેતી વખતે બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના લીધે પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. જો કે, કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ ઘટનામાં બન્ને બસના ડ્રાઈવર વચ્ચે જવાબદારી મામલે ચકમક ઝરી હતી. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

ચાણસ્મા ડેપોમાં આજે સવારે આઠેક વાગ્યે કટાવ-ઈડર રૃટની બસ રિવર્સ લેવાઈ રહી હતી. ત્યારે પાછળના ભાગે પસાર થતી રાધનપુર-મહેસાણા રૃટની બસ  સાથે ભટકાતાં ડ્રાઈવર કેબીનને નુકસાન થયું હતુ. જેના લીધે બસ સ્ટેન્ડમાં હાજર પેસેન્જર્સમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તેથી પ્રવાસીઓએ અને બસ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માત બાબતે બન્ને બસના એક પણ ડ્રાઈવર જવાબદારી સ્વીકારવા તૈયાર થયા ન હતા અને બન્ને વચ્ચે તૂ..તૂ..મેં..મેં..થઈ ગઈ હતી.

બસમથકમાં લોકોને મફતનું જોણું થયું હતુ. જે બસ રિવર્સ લેવાતી હોય તેના કન્ડક્ટરે પાછળ આવીને ખુલ્લી જગ્યાનું ધ્યાન રાખવાનું હોય છે તેમ સૂત્રોએ જણાવ્યું હતુ. આ અંગે ચાણસ્મા ડેપોના  ટ્રાફિક કન્ટ્રોલર ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ તો ઈડર ડેપોના ડ્રાઈવર-કન્ડક્ટરના નિવેદન લઈને બસ રવાના કરવામાં આવી હતી. બન્ને ડ્રાઈવર-કન્ડક્ટર્સના નિવેદનોના આધારે અને ઘટનાસ્થળના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.


Tags :