શેરથાથી ઉવારસદના ઉબડ-ખાબડ માર્ગના લીધે વાહનચાલકો પરેશાન
ગાંધીનગર, તા. 4 જુલાઇ 2020, શનિવાર
ગાંધીનગર શહેરથી નજીક આવેલા શેરથા ગામથી ઉવારસદ તરફ જતો માર્ગ જાળવણીના અભાવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવા પામ્યો છે. દસ કિલો મીટરના આ માર્ગ ઉપર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી જવાના લીધે ઉબડ-ખાબડ થઇ જતાં અવર જવર કરતાં વાહનચાલકોને પણ અકસ્માતના ભયે પસાર થવું પડે છે. શેરથાની આસપાસ આવેલા ગામના લોકોને ગાંધીનગર તરફ અવર જવર માટે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે ત્યારે ઉબડ - ખાબડ થઇ જવાના કારણે વાહનચાલકો પણ ત્રસ્ત થઇ રહ્યાં છે. ઉપરાંત ઉવારસદ ગામમાં આરોગ્ય કેન્દ્ર હોવાના કારણે સારવાર અર્થે આસપાસના વિસ્તારના લોકો પણ આવતાં હોય છે. તેમને પણ ભારે હાલાકી ભોગવીને સારવાર અર્થે આવવું પડે છે. આ માર્ગનું નવિનીકરણ કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં નહીં આવતાં તંત્રની ઢીલી નીતિ સામે રોષ પણ ઉભો થયો છે. સત્વરે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.