કોરોનાને હરાવવા માટીના પાર્થિવલિંગની સ્થાપના કરી ઘરને જ શિવાલય બનાવી દો
- મંદિરોમાં ભીડ નહીં કરવાના પાટીયા લાગ્યા છે ત્યારે ભોળાને ભાવથી ભજો
- આવતીકાલથી દેવાધીદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
ગાંધીનગર, તા. 19 જુલાઇ 2020, રવિવાર
દેવાધી દેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસને ગણતરીના કલાકો બાકી છે. સામાન્ય સંજોગો હોત તો નગર અને ગ્રામ્ય વિસ્તારના શિવાલયોમાં ભક્તોનો અનોખો થનગનાટ આ શ્રાવણ માસને લઇને જોવા મળતો હોત પરંતુ કોરોનાની સાઇડઇફેક્ટ ભોળાનાથના ભક્તો પર પણ પડી છે. સંક્રમણ ન ફેલાય તે માટે શિવાલયોમાં ભક્તો દ્વારા શિવપૂજા, જળાભિષેક, દુધનો અભિષેક જ નહીં પરંતુ ગર્ભગૃહમાં ભક્તોને નહીં પ્રવેશવાના બોર્ડ અગાઉથી લગાવી દેવામાં આવ્યા છે. આવી વિપરીત સ્થિતિમાં યથાશક્તિ શિવઆરાધના અને પૂજા કરવા માટે ઘરે ઘરે માટીના 'પાર્થેશ્વર'ની સ્થાપના કરવી યોગ્ય અને ફળદાયી છે. તેમ ફુલશંકર શાસ્ત્રીજીએ ભક્તોને ધર્માદેશ કર્યો છે.ગાંધીનગર પ.પૂ.ધર્માચાર્ય ફુલશંકર શાસ્ત્રીજીએ શિવપૂજા અંગે કહ્યું હતું કે, નિલકંઠ એવા મહાદેવનો પ્રિય શ્રાવણમાસ આવી રહ્યો છે તો બીજી બાજુ શિવાલયોમાં સંપર્ક અને સંક્રમણને અટકાવવા માટે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી છે. આવા ધર્મસક્ટના સમયે ઘરમાં માટીના શિવલીંગ એટલે કે પાર્થશ્વેરની સ્થાપના કરી તેની હૃદયપૂર્વક યથાશક્તિ પૂજા કરવી ભગવાન ભોળાનાથ રાજી થાય છે. એટલું જ નહીં કોઇ શ્લોક કે સ્તુતી ન આવે તો ફક્ત 'ઓમ નમઃ શિવાય'નો પંચાક્ષરી મંત્રથી આ પાર્થેશ્વરની પૂજા કરવાથી પણ ફળ પ્રાપ્ત થાય છે. તેમ શાસ્ત્રોમાં લખ્યું છે. ઘરમાં માટીના અંગુઠા જેટલા પાર્થેશ્વર એક, અગિયાર, એકવીસથી લઇને સવાલાખ સુધી બનાવી શકાય.