મહેસાણામાં કોંગી નગરસેવિકાના પુત્ર દ્વારા ટ્રેક્ટર ચાલકને ઢોર માર માર્યો
- પાણીનું ટેન્કર ખાલી કરાવવા મુદ્દે ગડદાપાટુનો માર મારી જાતિ વિષયક અપશબ્દો પણ બોલ્યા
- અગાઉ પણ આ ઈસમ સામે ફરિયાદ થઈ ચુકી છે
મહેસાણા, તા. 12 જુલાઈ 2020, રવિવાર
મહેસાણા નગરપાલિકાના નગરસેવિકાના પુત્ર દ્વારા પાલિકામાં ૧૧ માસના કરાર પર ફરજ બજાવતા ટેન્કર ચાલકને ટેન્કરનું પાણી ખાલી કરવા મામલે તકરારમાં માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલતા ચકચાર મચી છે. આ મામલે કર્મચારીએ આરોપી યુવક સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
બનાવની વિગત જોઈએ તો મહેસાણા કસ્બા વિસ્તારમાં રહેતા નિમેષ ખેમચંદભાઈ ચૌહાણ ૧૧ માસના કરાર પર પાલિકાના વોટર વર્કસમાં ટેન્કર ચાલક તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવે છે. નવ જુલાઈએ તે અને અન્ય સહ કર્મચારીએ વોટર વર્કસ શાખામાંથી ટેન્કરમાં પાણી ભરીને ઠાકોરવાસમાં પાણી આપવા જઈ રહ્યા હતા. તે સમયે પાલિકાના નગર સેવિકા શોભનાબેન ઠાકોરના પુત્ર અનિલ ઠાકોરે ટેન્કરનું પાણી તેમના મકાનના હોજમાં નાખવાનું કહ્યું હતું કેમ કે તેમના મકાનનું કામ ચાલે છે માટે ટેન્કર ચાલક નિમેષ ચૌહાણે કહેલ કે આ પાણી લોકોને પીવા માટેનું છે. જેથી અનિલ ઠાકોર ઉશ્કેરાઈ જઈ નિમેષ ચૌહાણને ગડદાપાટુનો માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. આ અંગેની ફરિયાદ આધારે શહેર એ ડિવિઝન પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.