મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને ચાર પાલિકાની મુદ્દત પૂર્ણ થશે
- ચુંટણીમાં કોરોનાનું ગ્રહણ નડવાની સંભાવના
- સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ લંબાવાય તો વહિવટદારની નિમણૂંક કરાય તેવા સંકેતો
મહેસાણા,તા.26 જૂન 2020, શુક્રવાર
મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયતો અને ૪ નગરપાલિકાની ૨૦૨૦ના અંતમાં મુદ્દત પૂર્ણ થઈ રહી છે. આગામી ડીસેમ્બર અગાઉ આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચુંટણીઓ યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. જોકે હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને કોરોનાનું ગ્રહણ લાગવાની સંભાવના જોવાઈ રહી છે. જો ચુંટણીઓ લંબાવવામાં આવે તો સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહિવટદારની નિમણૂંક કરાય તેવી શક્યતાઓ જણાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મુદ્દત પાંચ વર્ષની હોય છે. મહેસાણા જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો તથા જિલ્લાની સાતનગર પાલિકાઓ પૈકી ચાર નગરપાલિકાની વર્ષ ૨૦૧૫માં ચુંટણી યોજાઈ હતી. આ ચૂંટણીને ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં પાંચ વર્ષ પૂર્ણ થાય છે. જોકે અત્યારની પરિસ્થિતિ જોતા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભયંકર સ્વરૃપ ધારણ કર્યું છે. તેનાથી સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યું નથી. અને કોરોનાએ સમગ્ર રાજ્યને તેના ભરડામાં લેતા સરકાર સહિત ચુંટણીપંચ પણ ચુંટણીઓ યોજવા માટે ચિંતાશીલ છે. અને કોરોનાના ભય વચ્ચે સ્થાનિક રાજ્યની ચૂંટણીઓ કેવી રીતે યોજવી તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયતો અને ચાર નગરપાલિકાઓ જેમાં મહેસાણા, વિસનગર, કડી અને ઊંઝા પાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થયાને હવે ગણતરીના માસ બાકી છે. ત્યારે ચુંટણીપંચ ક્યારે અને કોરોનામાં કેવી રીતે ચુંટણીની તૈયારીઓ આરંભાશે તેના પર સૌ રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે.