સેક્ટર-૨૪માં અપનાબજાર સામેનો માર્ગ બિસ્માર બન્યો
- અવર જવર કરતાં વાહનચાલકો અકસ્માતના ભયે પસાર થઇ રહ્યાં છે
ગાંધીનગર, તા. 19 જુલાઇ 2020, રવિવાર
ગાંધીનગર શહેરના સેક્ટર-૨૪ ખાતે આવેલાં અપનાબજારની સામે આવેલાં બગીચાની પાસેનો માર્ગ તાજેતરમાં થયેલા વરસાદમાં ધોવાઇ જવાના કારણે બિસ્માર બની જવા પામ્યો છે. જેના પગલે આ માર્ગ ઉપરથી અવર જવર કરતાં વાહનચાલકોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે. ઉપરાંત સેક્ટર-૨૩, ૨૪ અને રપમાં આવેલી સોસાયટીઓમાં અનેક માર્ગો બિસ્માર બની ગયા છે.
રાજયના પાટનગરમાં વિધિવત રીતે ચોમાસાની મોસમનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે દર વર્ષે ઓછા વરસાદમાં જ માર્ગો ધોવાઈ જવાની સ્થિતિનું નિર્માણ થાય છે. તંત્ર દ્વારા માર્ગો બનાવનાર કોન્ટ્રાકટરો સામે કોઈ પગલાં નહીં ભરાવાના કારણે સામાન્ય વરસાદાં જ આ સ્થિતિ ઉભી થઈ જાય છે. ગાંધીનગર શહેરમાં તાજેતરમાં થયેલાં વરસાદમાં અનેક માર્ગો ધોવાઇ ગયા છે ત્યારે સેક્ટરોમાં આવેલાં આંતરિક માર્ગો બિસ્માર બની જવા પામ્યાં છે. આમ સેક્ટર-૨૪માં અપના બજારની સામે આવેલા બગીચાની પાસેનો માર્ગ વરસાદમાં ધોવાઇ જવાના કારણે ડામરની કપચીઓ ઉખડી ગઇ છે. તેના પગલે વાહનચાલકોને અવર જવરમાં પણ પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. સેક્ટર-૨૩,૨૪ અને ૨૫માં આવેલી સોસાયટીઓના આંતરિક માર્ગો પણ ઉબડ ખાબડ થઇ જવાની સાથે સાથે બિસ્માર થવાથી સ્થાનિક રહિશોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે. અવાર નવાર માર્ગોનું નવીનિકરણ તો કરવામાં આવે છે પરંતુ ગુણવતા વગરની કામગીરી હોવાના કારણે ટુંકાગાળામાં માર્ગો બિસ્માર બની જાય છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.