વિજાપુરમાં ભાઈએ જ ભાઈનું ખૂન કર્યું, બે દિવસ પહેલા યુવાનના મર્ડર કેસમાં ફરિયાદી ભાઈ જ આરોપી નીકળ્યો
- છૂટક મજૂરી કરતો યુવક અચાનક ગુમ થયો હતો, મહેસાણા એલસીબીએ ભેદ ઉકેલ્યો
મહેસાણા, તા. 28 મે 2020, ગુરૂવાર
વિજાપુર શહેરના મહેશ્વર રોડ પર આવેલા તળાવ નજીકથી બે દિવસ પૂર્વે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફેંકી દેવાયેલ એક યુવાનની લાશ મળી હતી. આ કેસનો ભેદ ગણતરીના કલાકોમાં જ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતકનો ફરિયાદી ભાઈ સહિત ત્રણ આરોપીઓ હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તબક્કે આ હત્યા પાછળ રોજબરોજ મરનાર યુવક પરિવાર પાસે પૈસા માગતો હોવાથી તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
વિજાપુરની ફોરવર્ડ હાઈસ્કૂલ પાસે આવેલ નવાપુરામાં રહેતો દિનેશ ઉર્ફે ડેની કાંતીલાલ સથવારા નામનો યુવક મંગળવારે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. બીજા દિવસે સવારે વિજાપુરના મહેશ્વર રોડ ઉપર આવેલા તળાવ નજીકની બાવળની ઝાડીઓમાંથી તેની તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર કરી હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ અંગે વિજાપુર પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની તપાસમાં મહેસાણા એલસીબીના પીઆઈ પી.એ.પરમાર સહિતની ટીમ કામે લાગી હતી. પોલીસે હત્યા કેસના ફરિયાદી એવા મૃતકના ભાઈ ભાવિક કાંતીલાલ સથવારા સહિત તેના કેટલાક મિત્રોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં કેટલીક કડીઓ મળતા દિનેશની હત્યામાં તેનો ફરિયાદી ભાઈ ભાવિક તેમજ મિત્ર અક્ષય સથવારાએ ઠંડાકલેજે કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ આરોપી ભાવિકના લોહીથી લથપથ કપડા તેના બનેવી હિરેન સથવારાએ ભાવસોર રોડ ઉપર આવેલા એક મકાનના ધાબા ઉપર લઈ જઈ સળગાવી મુક્યા હોવાનું ખુલ્યું છે. જેના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તપાસ આરંભી છે.
હત્યા કર્યા બાદ ભાવિકે શોધખોળનો ડોળ કર્યો
મંગળવારે રાત્રે આઠેક વાગે ઘરેથી નીકળેલ દિનેશ સથવારા ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ તેને શોધવા નવાપુરાના કેટલાક યુવાનો નીકળ્યા હતા. જેમાં મૃતકનો ભાઈ અને આરોપી ભાવિક પણ પોતાના મિત્રો સાથે જોડાયો હતો.
અવારનવાર પંસા માંગતો હોવાથી હત્યા કરી દીધી
છૂટક મજૂરી કરનાર દિનેશ સથવારા ઘણા સમયથી ઘરમાં અવારનવાર પૈસા માગી કંકાસ કરતો હતો. જેના લીધે કંટાીને તેના જ ભાઈએ મિત્રની મદદથી તેની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળે છે.
આરોપીએ કેવી રીતે હત્યાને અંજામ આપ્યો?
મરનાર દારૂ પીને ગાળો બોલતા ભાવિક અને અક્ષય તેને બાઈક ઉપર બેસાડીને પોતાના મામાના ખેતરમાં ગયો હતો. જ્યાં દિનેશના ગળા ઉપર ધારીયું મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લોહીથી લથપથ લાશને બાઈક ઉપર લઈ જઈને તળાવ નજીક ફેંકી દીધી હતી. અને પછી બન્ને જણા ઘરે જતા રહ્યા હતા. ભાવિકના કપડાં ભાવસોર રોડ ઉપરના એક મકાનના ધાબા ઉપર તેના બનેવી હિરેન મુકેશ સથવારા સળગાવી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપી
૧. ભાવિક કાન્તીલાલ સથવારા
૨. અક્ષય ગીરીશભાઈ સથવારા
૩. હિરેન મુકેશભાઈ સથવારા