જાસપુરમાં બિયરની એક પેટી સાથે મોપેડ ચાલક ઝડપાયો
કલોલ, તા. 21 જુલાઇ 2020, મંગળવાર
જાસપુર ગામ પાસેથી સાંતેજ પોલીસે બાતમીને આધારે મોપેડ ચાલકને બિયરની એક પેટી સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા એક દરોડામાં કલોલ શહેર પોલીસે હાઇવે પરથી દેશીદારૂનો ૪૫ લીટર જથ્થો લઇને જતા મોપેડ ચાલકને પકડી પાડયો હતો.
કલોલના શેરીસા કેનાલના બ્રિજ પરથી જાસપુર ગામ તરફ એક મોપેડ ચાલક બિયરનો જથ્થો લઇને પસાર થવાની બાતમીને આધારે સાંતેજ પોલીસે વોચ ગોઠવી હતી અને તેમાંથી એક પેટી બિયર એટલે કે ૨૪ નંગ બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે ૩૦૦૦ની કિંમતની બિયર અને મોપેડ મળી કુલ રૂપિયા રૂ. ૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ મોપેડ ચાલક પ્રીત બાબુભાઇ પટેલ રહે.ઓઝોન રેસીડેન્સી ચેનપુર ન્યુ રાણીપની ધરપકડ કરતી હતી. બિયરનો જથ્થો કરણનગર કેનાલ પાસે એક બાઇક ચાલક આપી ગયો હોવાની તેણે કબૂલાત કરતાં પોલીસે આ કેસમાં બાઇકચાલકને વોન્ટેડ બતાવી તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે બીજા એક બનાવમાં કલોલ જનપથ હાઇવે રોડ પરથી એક મોપેડ ચાલક દેશીદારૂનો જથ્થો લઇને પસાર થવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે મોપેડ ચાલક મંગાજી રમણજી ઠાકોર રહે.છત્રાલને પકડી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ૪૫ લીટર દેશીદારૂનો જથ્થો પકડી પાડી આરોપીની ધરપકડ કરી હતી. દેશીદારૂનો આ જથ્થો તે કડીના કનું ઉર્ફે મામાં રાવળ પાસેથી લાવ્યો હતો