સે-6/એના આંતરિક માર્ગો કાદવ-કીચડમાં ગરકાવ થયાં
- સ્ટ્રોમ લાઈનના ખોદકામ બાદ પુરાણ નહીં થતાં
ગાંધીનગર, તા. 24 જૂન 2020, બુધવાર
શહેરના સેક્ટર-૬/એમાં થોડાક સમય અગાઉ વરસાદી પાણીની સ્ટ્રોમ લાઇન નાંખવા માટે કામગીરી કરવામાં આવી હતી. જેના પગલે આંતરિક માર્ગોને નુકશાન થવા પામ્યું હતું. વસાહતી વિસ્તારમાં ખોદકામ કરાયા બાદ યોગ્ય સમારકામ નહીં થતાં થોડા દિવસ અગાઉ થયેલાં વરસાદમાં માટીના પગલે કાદવ-કીચડમાં માર્ગો ગરકાવ થઇ જતાં સ્થાનિક રહિશોને અવર જવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લોટ નં. ૪૪૯ થી ૪૫૫ વચ્ચે આવેલો માર્ગ કામગીરીના અભાવે બિસ્માર બની ગયો છે. સ્ટ્રોમ લાઇનના પોલાણ તથા ઉંડા ખાડાના પગલે નાના બાળકો તેમજ વૃદ્ધોને અવર જવર કરવામાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો ચીકણી માટી તેમજ ખાડા અને વરસાદી પાણીના કારણે કાદવ-કીચડ થઇ જવાથી જીવજંતુનો ઉપદ્રવ આ વિસ્તારમાં વધી જવા પામ્યો છે. આ આંતરિક રસ્તા ઉપર ઉભા થયેલાં કાદવ-કીચડને દુર કરીને માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક રહિશોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને રોષ પ્રગટ કર્યો છે.