શ્રાવણમાસના ઉત્સવોની ઉજવણીને કોરોનાની મહામારીએ બ્રેક લગાવી
- સંક્રમણ વધે નહીં તેને ધ્યાને રાખી તહેવારોમાં ભીડ ભેગી ન થાય તે માટે શ્રાવણના મેળાને પણ આયોજકો દ્વારા બંધ રખાયાં છે
ગાંધીનગર, તા. 29 જુલાઇ 2020, બુધવાર
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીના પગલે માનવ જીવન પણ અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે તો આ કપરાકાળને ધ્યાને રાખી સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા વિવિધ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે ત્યારે પરંપરાગત રીતે ઉજવાતાં તહેવારોની ઉજવણીમાં પણ મહામારીએ બ્રેક લગાવી હોય તેમ તેનું આયોજન રદ કરવાની ફરજ પડી રહી છે. હાલમાં પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ ઉત્સવોની ઉજવણી પણ આ માસ દરમિયાન કરવામાં આવતી હોય છે. તેને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
હાલમાં કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન ઉપર પડી રહી છે અને સરકાર દ્વારા પણ દરેકને આ મહામારીમાં તકેદારી રાખવાની સાથે સાથે સુચનાઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે આ મહામારીને ધ્યાને રાખીને બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનમાં વિવિધ નિર્દેશ પણ દર્શાવવામાં આવ્યા છે અને તેનો કડક પણે અમલ કરવાની સુચના પણ અપાઇ છે ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર ગણાતાં શ્રાવણમાસ હાલમાં ચાલી રહ્યો છે. આ માસમાં ભગવાન ભોળાનાથની પુજા અર્ચના કરવાની સાથે સાથે વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન, બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ અને જન્માષ્ટમીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવતી હોય છે. આ તહેવારોમાં મંદિરોમાં ભારે ભીડ દર્શનાર્થે એકઠી થતી હોય છે તો અનેક ઠેકાણે પૌરાણીક મેળા પણ યોજાતા હોય છે. જેમાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. તો શ્રાવણમાસમાં શિવાલયો પણ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજતાં હોય છે. ત્યારે જે પ્રકારે હાલમાં કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે. તેમાં ભીડ ભેગી ન થાય અને સંક્રમણ વધે નહીં તે માટે સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને વિવિધ ઉત્સવોની ઉજવણીને પણ રદ કરવાનો નિર્ણય સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. તો ઉત્સવો દરમિયાન મંદિરોમાં આવતાં દર્શનાર્થીઓને ગાઇડલાઇનનું પાલન કરીને પ્રવેશ આપવાનું પણ જણાવાયું છે. સમગ્ર શ્રાવણ માસમાં ભક્તો વિવિધ ઉત્સવો સાથે ભક્તિમાં લીન થતાં હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલાં કોરોનાની મહામારીમાં ઉત્સવોની ઉજવણીને પણ બ્રેક વાગી છે.