સાંતેજ કેનાલમાં 23 કલાક પાણી બંધ કરાવતા યુવકનો મૃતદેહ મળ્યો
- નહાવા ગયેલા 2 યુવાનો ડૂબ્યા હતા
- સ્થાનિક તરવૈયા અને ફાયર મૃતદેહ નહીં શોધી શકતા NDRFની ટીમે શોધી કાઢ્યો
કલોલ, તા. 23 જુલાઇ 2020, ગુરૂવાર
કલોલની વડસર કેનાલમાં નહાવા ગયેલા છ પૈકી બે યુવાનો ડૂબી ગયા હતા. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો ન હતો. જો કે ભારે શોધખોળ બાદ પણ બીજા યુવકની મૃતદેહ નહિ મળતાં ઉચ્ચકક્ષાએ રજુઆત બાદ એન.ડી.આર.એફ.ની ટીમ બોલાવાઇ હતી. ત્યારે ૨૩ કલાક પાણી બંધ કર્યા બાદ અઠવાડિયા પછી બીજા યુવકનો મતૃદેહ પણ આજે મળી આવ્યો હતો.
કલોલના પુર્વ વિસ્તારમાં રહેતા છ યુવકો રીક્ષા લઇને વડસર કેનાલ ખાતે નહાવા ગયા હતા. યુવકોએ નહાતો વીડિયો પણ વાયરલ કર્યો હતો. નહાતી વખતે પાણીનો પ્રવાહ વધી જતાં ઇશાન સોલંકી અને દર્શન નટવરભાઇ પરમાર પાણીમાં ડૂબી ગયા હતા. જો કે બીજા દિવસે ઇશાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. પરંતુ દર્શનનો મૃતદેહ એક અઠવાડિયું થયા છતાં પણ મળી આવ્યો નહોતો. તરવૈયા અને ફાયરની ટીમે ભારે મહેનત કર્યા છતાં પણ યુવકનો મતૃદેહ નહિ મળતાં આખરે જિલ્લા કલેક્ટર, નર્મદા નિગમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેથી ગઇકાલે એનડીઆરએફની ટીમ યુવકના મૃતદેહની શોધખોળ માટે આવી હતી. કેનાલમાં ૨૩ કલાક પાણી બંધ કરાવતા આખરે એન.ડી.આર.એફ.ની ટીમે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને સાંતેજ પોલીસે યુવકનો મૃતદેહ તેના વાલી વારસોને સોંપી ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી