જાસપુર કેનાલમાંથી સુઘડના યુવાનનો મૃતદેહ મળી આવ્યો
- માનસિક બીમારીથી તંગ આવીને યુવકે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું
કલોલ, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
જાસપુર નર્મદા કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. માનસિક બીમારીથી તંગ આવીને યુવકે આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. સાંતેજ પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સુઘડ ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં રહેતો ૪૫ વર્ષિય રાયમલ ગણેશભાઇ રબારી ૨૯ જુલાઇની સવારે કુદરતી હાજતે જવાનું કહી ચાલી નીકળ્યો હતો. ત્યારે મોડી સાંજ સુધી તે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન જાસપુર નર્મદા કેનાલમાંથી ગઇકાલે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવકની શોધખોળ કરતા મૃતક યુવાનના બનેવીએ આ ઘટનાની જાણ સાંતેજ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાવી કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબ્જો તેના વાલી વારસોને સોંપ્યો હતો અને આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર યુવક છેલ્લા ૧૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો. ત્યારે માનસિક બીમારીથી ત્રાસી જઇને યુવકે કેનાલમાં પડતું મૂકી આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લીધું હતું.