GPCBના સુત્રેજાના કોર્ટે જામીન નામંજુર કરી દીધા
- અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબીએ ઝડપેલા
- ૧૦.૯ લાખની રોકડ સાથે પકડાયા બાદ લોકરમાંથી પણ ૧.ર૭ કરોડનો મુદ્દામાલ એસીબી ટીમને મળ્યો હતોે
ગાંધીનગર, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
ગાંધીનગરના ચ-૬ સર્કલ પાસેથી એસીબીની ટીમે જીપીસીબીના અધિકારીને ૧૦.૯ લાખની રોકડ સાથે ઝડપ્યા બાદ તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને લોકરમાંથી પણ ૧.ર૭ કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે ગાંધીનગર કોર્ટમાં આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.
ગાંધીનગરના સે-૩૦માં ગોલ્ડન પાર્ક સોસાયટીના મકાન નં.૬૭૧/રમાં રહેતા અને જામનગર રીઝીયનના જીપીસીબીના અધિકારી ભાયાભાઈ ગીગાભાઈ સુત્રેજાને એસીબીની ટીમેે વોચ ગોઠવીને ચ-૬ સર્કલ પાસેથી ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી પ.૯ લાખની રોકડ કબ્જે કરી હતી. જે સંદર્ભે કોઈ યોગ્ય ખુલાસો કરી શકયા નહોતા. તેમના ઘરે તપાસ કરતાં ત્યાંથી પણ પોલીસને ર૦ ગ્રામ સોનાની લગડી અને પાંચ લાખ રોકડા મળી આવ્યા હતા. ગાંધીનગર એસીબી પોલીસ મથકમાં તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસીબીની ટીમે ગાંધીનગર સેસન્સ કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પણ મેળવ્યા હતા. જે દરમ્યાન તેમના બેંક અને લોકરોમાંથી કુલ ૧.ર૭ કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ગત તા.૧૮ જુલાઈથી આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા ત્યારે ગાંધીનગર એસીબી સેસન્સ કોર્ટમાં આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એસીબી પીઆઈ એચ.બી.ચાવડાએ સોગંદનામું રજુ કર્યું હતું. જયારે સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખી કોર્ટે આરોપી સુત્રેજાના રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે. આ ગુનાની તપાસ એસીબીના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવીઝન હેઠળ ગાંધીનગર એસીબી દ્વારા કરવામાં આવી રહી છે.