સુઘડ નર્મદા કેનાલમાં હાથે દુપટ્ટો બાંધીને પ્રેમી યુગલનો આપઘાત
- કોબા ગામના પરિણીત યુવક અને શિક્ષિકા યુવતિના લગ્ન શક્ય ના હોવાથી અંતિમ પગલું ભરી લીધુંઃપોલીસની તપાસ
ગાંધીનગર, તા. 23 જુલાઇ 2020, ગુરૂવાર
ગાંધીનગર શહેર નજીક આવેલી સુઘડ નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરના સમયે કોબાના પ્રેમી યુગલે છલાંગ લગાવી હોવાની શક્યતાના પગલે ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ત્યારે આજે તેમનો મૃતદેહ કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો. હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં આ મૃતદેહો મળ્યા હતા. આ અંગે અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા કોબા ગામમાં રહેતાં પરિણીત યુવાન એવા ઈન્દ્રજીત જેસંગજી ઠાકોર ઉવ.ર૩ અને ગામમાં જ રહેતી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતિ મમતા અમરતભાઈ રાવળ ઉવ.ર૩ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે બન્ને વચ્ચે હવે લગ્ન શક્ય ના હોવાથી જીવનનો અંત આણી લેવાનું નક્કી કર્યું હતું. જેના પગલે ગઈકાલે સુઘડ નર્મદા કેનાલમાં હાથે દુપટ્ટો બાંધીને તેમણે ઝંપલાવી દીધું હતું. આ અંગે તેમના પરિવારજનોને જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડને બોલાવી તેમની શોધખોળ કરાવી હતી. પરંતુ ગઈકાલ મોડી સાંજ સુધી તેમનો કોઈ અતોપતો લાગ્યો નહોતો ત્યારે આજે બપોરના સમયે કેનાલના પાણીમાં તેમનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં અડાલજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં આ પ્રેમી યુગલના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢયા હતા.
આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.