Get The App

ગીરો મુકેલી જમીન પરત નહીં મળતાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસ

- ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદમાં

- બે શખ્સો પાસેથી લીધેલા નવ લાખ રૃપિયા પરત આપવાની તૈયારી છતાં જમીન પડાવવાનો કારસો

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
ગીરો મુકેલી જમીન પરત નહીં મળતાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસ 1 - image


ગાંધીનગર, તા. 23 જૂન 2020, મંગળવાર

ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદમાં રહેતા ખેડૂતે તેની સાડા ત્રણ વીઘા જેટલી જમીન ગીરો મુકી હતી અને જે બાબતે રૃપિયા આપવા છતાં જમીન પરત આપવાનો ઈન્કાર કરી બે શખ્સો દ્વારા ધમકીઓ આપવામાં આવતાં ખેડૂતે ઉધઈ મારવાની દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેમને સારવાર માટે ખસેડાયા હતા અને આ સંદર્ભે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

ગાંધીનગર જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ઉવારસદમાં ખેડૂતની જમીન પચાવી પાડવાનો કારસો થતાં ઝેરી દવા ગટગટાવ્યાની ઘટના બનવા પામી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઉવારસદમાં નવીન ખડકીમાં રહેતા અમીત મધુભાઈ પટેલે અઢી વર્ષ પહેલા તેમની સાડા ત્રણ વીઘા જેટલી જમીન કોલવડામાં રહેતા સંદીપ મનુભાઈ પટેલ અને વાડજના રહેવાસી એવા મગનભાઈ ભરવાડને ગીરો ખતથી આપી હતી. જે પેટે તેમને નવ લાખ રૃપિયા ચુકવાયા હતા. ચાર મહિના પહેલા અમીતભાઈએ આ બન્ને શખ્સોએ ચુકવેલા નવ લાખ રૃપિયા પરત આપવાની તૈયારી બતાવી હતી અને બીજા વધારાના રૃપિયા પણ આપવાનું કહી જમીન પરત કરવા માંગણી કરી હતી. જો કે આ શખ્સોએ જમીન પરત નહીં કરવા અને તેમના નામે કરી લેવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને આ અંગે જમીન અને પૈસા બાબતે ગામમાં વાતો ફેલાવતાં અમીતભાઈને લાગી આવ્યું હતું. જેથી તેમણે ઉધઈ મારવાની દવા ગટગટાવી લેતાં તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેમની ફરિયાદના આધારે પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

Tags :