સતલાસણા પાંચ ઈંચ, વિસનગર બે ઈંચ, વડનગર દોઢ, મહેસાણા, ખેરાલુમાં એક ઈંચ વરસાદ
- મહેસાણા જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્
- સતલાસણાના લીંબડી ચોકથી હાઈવે જવાનો રસ્તો પાણીમાં ગરકાવ વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં પાણી ભરાયા
(પ્રતિનિધીઓ દ્વારા) મહેસાણા, તા. 22 ઓગસ્ટ 2020, શનિવાર
મહેસાણા જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ રહેવા પામી હતી અને વહેલી સવારે સતલાસણામાં પાંચ ઈંચ, વિસનગર બે ઈંચ, વડનગર દોઢ ઈંચ તેમજ મહેસામા અને ખેરાલુમાં એક-એક ઈંચ વસાદ ખાબક્યો હતો. સતત બે દિવસથી પડી રહેલા સારા એવા વરસાદને લઈ જગતનો તાત ખુશખુશાલ જણાયો છે. સતલાસણામાં બે કલાકમાં પાંચ ઈંચ પાણી વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજ્યમાં અપર એરસાયક્લોનીક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે તો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને શુક્રવારે મહેસાણા શહેર સહિત પંથકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે યાતનાઓનો સામનો કરવો પડયો હતો. જોકે બીજા દિવસે પણ મેઘસવારી વહેલી સવારથી આવી પહોંચી હતી. જેમાં સતલાસણામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત ગામમાં પ્રવેશવાનું નાળુ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જ્યારે લીંબડી ચોકથી હાઈવે પર જવાના રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાતા સ્થાનિક રહીશો મુસીબતમાં મુકાયા હતા.
આ ઉપરાંત જીઈબી કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. જ્યારે સિધ્ધાર્થનગર સોસાયટી વિસ્તાર સહિતની નીચાણવાળી સોસાયટીઓમાં પામી ભરાતા રહીશો ભારે તોબા પોકારી ઉઠયા હતા.
સતલાસણાની જેમ વિસનગરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના કાંસા એનએ વિસ્તારની આઈટીઆઈ ત્રણ રસ્તાથી રામાપીર મંદિર સુધી સોસાયટી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. જોકે વર્ષો જુની આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહીં લવાતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
વ ડનગરમાં પણ દોઢ ઈંચ વરસાદ ખાબકતા જગતનો તાત ખેડૂત આનંદવિભોર બન્યો હતો અને પાકને જીવતદાન મળતા હર્ષની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત ખેરાલુમાં પણ એક ઈંચ વરસાદ પડયો હતો. વિજાપુર-ઊંઝા અડધો - અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મહેસાણામાં પણ ગતરોજની જેમ સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું અને સવારે વીજળીના કડાકા સાથે એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા ગોપીનાળુ, ભમ્મરીયુ નાળુ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.
સતલાસણાના ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
સતલાસણામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાલા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે સતલાસણાના પ્રવેશ સમા નાલામાં પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી. સવારે પડેલા વરસાદ પગલે કામધંધે જવાવાલા લોકો ભારે પરેશાન બન્યા હતા.
લીંબડી ચોકથી હાઈવે પર પાણી ભરાયા
સતલાસણાના લીંબડી ચોકથી હાઈવે તરફ જવાના રસ્તા પર હાઈસ્કૂલ પાસે પાણી ભરાતા વાહનચાલકો સવારે અટવાયા હતા. ઘુંટણસમા પાણી ભરાતા રહીશો પણ ભારે પરેશાન બન્યા હતા.
કાંસા ચાર રસ્તાથી એપીએમસી ગેટ સુધી પાણી ભરાયા
વિસનગરમાં પણ સવારે બે ઈંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં શહેરના કાંસા ચાર રસ્તાથી એપીએમસી ગેટ સુધી પાણી ભરાતા દ્વિચક્રીય તેમજ કારચાલકો પરેશાન બન્યા હતા. માર્ગ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
મહેસાણા જિલ્લાનો વરસાદ
તાલુકો મીમી
ઊંઝા ૧ ૪
કડી ૦ ૧
ખેરાલુ ૨ ૮
જોટાણા ૦ ૨
બેચરાજી ૦ ૦
મહેસાણા ૨ ૭
વડનગર ૩ ૫
વિજાપુર ૧ ૪
વિસનગર ૪ ૫