તત્કાલીન એસપીએ કરેલ પીઆઈ અને પીએસઆઈની બદલીના હુકમ રદ્દ
- મહેસાણાના નવા પોલીસ અધિક્ષક એક્શન મોડમાં
- કડી દારૃકાંડ બાદ ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને ચાર પીએસઆઈની આંતરિક બદલી થઈ હતી
મહેસાણા,તા.30 મે 2020, શનિવાર
કડી દારૃકાંડ બાદ મહેસાણા પોલીસબેડામાં ચોંકાવનારા બદલાવ જોવા મળી રહ્યા છે. તત્કાલીન પોલીસ અધિક્ષક મનિષસિંહ દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીઆી અને ચાર પીએસઆઈની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓની બદલી બાદ નવનિયુક્ત પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલે આ બદલીના હુકમને રદ્દ કરી દેતાં તર્ક-વિતર્ક સર્જાયા છે.
બુટલેગરો પાસેથી કબજે કરવામાં આવેલ વિદેશી દારૃના જથ્થાને યોજનાબદ્ધરીતે સગેવગે કરી લોકડાઉનમાં વેચાણ કરાતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.જેમાં કડી પોલીસની જ સંડોવણી ખૂલતાં પીઆઈ દેસાઈ, બે પીએસઆઈ સહિત ૯ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. વળી, મહેસાણા પોલીસ અધિક્ષક મનિષસિંહ તેમજ એલસીબીના પીઆઈ નિનામાની પણ તાત્કાલીક અસરથી બદલીઓ કરી દેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વિદાય લેનાર એસપી મનિષસિંહ ત્રણ પીઆઈ અને ચાર પીએસાઈની જિલ્લામાં આંતરિક બદલીના આદેશ કર્યા હતા. ત્યારબાદ તેમની બદલી થતાં તેમની જગ્યાએ ચાર્જ સંભાળનાર નવા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહે આ બદલીના હુકમને રદ્દ કરી દીધા છે. જેમાં તત્કાલીન એસપી મનિષસિંહે મહિલા પોલીસ મથકના પીઆઈ બી.એસ.મહેરીયાને તેમજ પીએસઆી એસ.એસ.ચૌધરીને વધારાનો સોંપાયેલ ચાર્જનો હુકમ પણ રદ્દ કરાયો છે. જ્યારે મહેસાણા તાલુકાના પીએસઆઈ ડી.એન.વાજાની પેરોલ ફર્લો સ્કોડ, ઊંઝાના પીએસઆઈ આર.કે.પાટીલની કડી, બીડીવીઝનના પીએસઆઈ જે.ડી.પંડયાની બેચરાજી, લીવરીઝર્વ પીએસઆઈ એસ.બી.ઝાલાની બીડીવીઝન તેમજ મહેસાણા એલઆઈબીના પીઆઈ એસ.બી.મોડીયાની કડી તથા બેચરાજીના પીઆઈ જી.એસ.પટેલની એસઓજીમાં કરવામાં આવેલી નિમણૂકો પણ રદ્દ કરીને તેમની મૂળ જગ્યાએ હાજર થવા આદેશ કરાયા છે.
મહેસાણા એલસીબીના પીઆઈ પી.એ. પરમારને યથાવત રખાયા
મહેસાણાના તત્કાલીન પોલીસ અધિક્ષક મનિષસિંહે કરેલા આંતરિક ફેરફારોમાં એસઓજીના પીઆઈ પી.એ.પરમારની બદલી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં કરી હતી. તેમની બદલીને નવા પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહે યથાવત રાખી છે.