સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજથી ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલ ખુલી જશે
- જોકે સરકારની ગાઈડ લાઈન પાલન કરવાનું રહેશે
મહેસાણા,તા.07 જૂન 2020, રવિવાર
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આજથી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ગાઈડલાઈન હેઠળ ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલ ખુલશે. કોરોના મહામારીને પગલે ૨૨ માર્ચથી મોલ્સ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ, હોટલને સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. મહેસાણા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સહિતની શરતો આધીન આજથી જિલ્લામાં ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ, મોલ્સ, હોટલ ખોલવાની છૂટ આપવામાં આવી છે.
અઢી માસથી વધુ સમયથી બંધ હોટલો, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો આજથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ચાલુ થઈ રહ્યા છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવાનું રહેશે.
કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામા અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળે હોટલ, રેસ્ટોરન્ટ અને મોલ્સમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ ૧૦ વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. કારણ કે કોરોનાનું સંક્રમણ આ લોકોમાં ઝડપથી થઈ શકે છે.
આ ઉપરાંત માસ્ક, હેન્ડવોશ, સેનેટાઈઝર સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગનો પણ અમલ કરવાનો રહેશે. જ્યારે બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર પણ રાખવાનો આદેશ કલેક્ટરે જાહેરનામા દ્વારા કરવામાં આવ્યો છે. એક તરફ અઢી માસથી વધુ સમયથી હોટલો, રેસ્ટોરન્સ, અતિથીગૃહો, મોલ્સ બંધ છે. અને આજથી આ તમામ જગ્યાઓ ખુલી રહી છે. ત્યારે તેના સંચાલકોએ પણ હાશની લાગણી અનુભવી છે. કારણકે અઢી મહિનાથી હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેતા ઉત્તર ગુજરાતના હોટલ વ્યવસાયકારકોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.