સાંઈક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં પ્રવેશ ન અપાતાં દર્દીઓના સગાઓનો હોબાળો
- વિવાદ થતાં મોડી રાતે સ્નેહકુંજ સોસાયટીના તાળા ખોલાયા
- ઘોડા છુટયા પછી તબેલાને ડુચા મારવા જેવો વહિવટી તંત્રનો ઘાટ સર્જાયો
મહેસાણા, તા.19 જુલાઈ 2020, રવિવાર
મહેસાણાની સાંઈક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં વિવાદ સર્જાતા ગત રાત્રે પોઝિટિવ દર્દીઓના સગાસંબંધીઓને પ્રવેશ આપવામાં ન આવતા હોબાળો સર્જાયો હતો. વળી શહેરના ટીબી રોડ પર આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં પોઝિટિવ કેસ આવતા પોલીસે મકાનોને તાળા મરાવી દેતા વિવાદ થયો હતો. છેવટે મોડી રાતે તાળાબંધી ખોલવામાં આવતા સમગ્ર મામલો થાળે પડયો હતો.
ઘોડા છૂટી ગયા પછી તબેલાને ડૂચા મારવા જેવો ઘાટ મહેસાણાની સાંઈ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં જોવા મળ્યો છે. અહીં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે રાખવામાં આવે છે. અત્યાર સુધી અહીં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાસંબંધીઓ તેમની સારસંભાળ માટે બેરોકટોક ઉપસ્થિત રહે છે. વળી હોસ્પિટલમાં માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી તકેદારીનો પણ છેદ ઉડતો જોવા મળી રહ્યો હતો. દરમિયાન શનિવારે રાત્રે સાંઈ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સગાઓને અંદર આવતા રોકવામાં આવતા તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. બીજી તરપ મહેસાણા શહેરના ટીબી રોડ પર આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં પોઝિટિવ કેસ સામે આવતા તકેદારીના ભાગરૃપે તેમજ લોકોની બીનજરૃરી અવરજવર રોકવા દરેક મકાનોના દરવાજે તાળા મારવામાં આવ્યા હતા. જેના લીધે જેલવાસ અનુભવી રહેલા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો હતો અને તંત્રની નીતિરીતિનો વિરોધ દર્શાવી હોબાળો મચાવતા વિવાદ થયો હતો. છેવટે મોડી રાતે મકાનોને મારવામાં આવેલા તાળા ખોલી દેવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી.