ખાનગી શાળાના સંચાલકોએ પોત પ્રકાશ્યું, માર્ચ, એપ્રિલ, મેની ફીના ઉઘરાણા
- મહેસાણા, પાટણ, બનાસકાંઠાના મોટાભાગની ખાનગી સ્કૂલો સામે સરકાર ઘૂંટણીએ!
- લોકડાઉનની પરિસ્થિતિમાં વાલીઓની આર્થિક હાલત ખરાબઃ ફી ભરવા માટે પૈસા નથી અને શિક્ષણ વિભાગ સાંભળતું નથી
મહેસાણા,તા.11 જૂન 2020, ગુરૂવાર
કોરોના મહામારીને પગલે માર્ચના અંતિમ સપ્તાહથી શાળાઓ બંધ કરવામાં આવી હતી. અને જૂન મહિનો શરૃ થયો છે છતાં શિક્ષણકાર્યનો પ્રારંભ થઈ શક્યો નથી. ત્યારે ઉત્તર ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને વિદ્યાર્થિની માર્કશીટ આપવાની છે. તેમ કહી માર્ચ, એપ્રિલ, મેની ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યાની રાડ ઉઠી છે. જોકે ત્રણ માસથી ધંધા-રોજગાર બંધ રહ્યા હોવાથી વાલીઓની આર્થિક હાલત ખરાબ છે. અને ફી ભરવા માટે પૈસા નથી ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું હોવાની પ્રતીતિ વાલીઓમાં થઈ રહી છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ૮ જૂનથી વિદ્યાર્થીઓ વિના શાળાઓ ખોલવામાં આવી છે. જોકે કોરોનાના સંક્રમણને પગલે વિદ્યાર્થીઓને શાળામાં પ્રતિબંધ છે.ત્યારે વિદ્યાર્થીઓને જૂન અંત સુધી ઘેર બેઠા જ અભ્યાસનો હાલનો નિર્ણય લેવાયો છે.
અઢી મહિના ઉપરાંતથી ધંધા-રોજગાર બંધ રહેવાથી નાગરિકો પાસે પૈસા ખૂટયા છે. તો બીજી તરફ શાળાઓ ખૂલી જતા ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૃ કરી દેવામાં આવ્યા છે. જોકે કેટલાક સધ્ધર પરિવારો પોતાના બાળકોની ફી ભરપાઈ કરીપણ ચુક્યા છે. પરંતુ અહી વાત છે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની જેમની પાસે અત્યારે રોજગાર, ધંધાના ફાંફા છે અને બીજી તરફ બાળકોની ફીની ચિંતા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને મોબાઈલ પર ફોન કરી પોતાના બાળકનું પરિણામ લઈ જવા જણાવે છે અને સાથે સાથે માર્ચ, એપ્રિલ અને મેની ફીના ઉઘરાણા પણ કરવામાં આવી રહ્યા છે. કેટલાક વાલીઓએ તેમના મોબાઈલ પર આવેલ ફોનનું રેકોર્ડીંગ પણ સોશ્યલ મિડીયામાં વાયરલ કરી પોતાની વ્યથા રજૂ કરી છે.
જોકે સરકાર દ્વારા બાળકોની ફીમાં રાહતની જાહેરાત કરી છે ત્યારે ખાનગી શાળાઓ ફીની ઉઘરાણી કરતા વાલીઓ મુંઝવણમાં પણ મુકાયા છે. જોકે કેટલાક વાલીઓ આ બાબતે ફરિયાદ પણ કરવા માંગતા હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ ફરિયાદ નથી કરી શકતા. જોકે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસે ફીના ઉઘરાણા કરાતા વાલીઓમાં નારાજગીનો સૂર પણ ઉઠયો છે.
વાલીઓ જાગૃત થાઓઃ શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરો
મહેસાણા જિલ્લામાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માર્ચ, એપ્રિલ, મેમાં શાળામાં ન ગયો હોવાછતાં ફી ઉઘરાવી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક સાધતા અધિકારી કૌશિકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈ ફરિયાદ મળી નથી. જો કોઈ વાલીને ફરિયાદ કરવી હોય તો અહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ફરિયાદ નોંધાવી શકે છે અને આવી ફરિયાદો આધારે અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ કચેરી મહેસાણામાં જૂના બસસ્ટેન્ડની સામે આવેલી છે. ત્યાં વાલીઓ રજૂઆત કરવા માટે જઈ શકે છે.
મહેસાણા શહેર કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, પ્રમુખ
આ અંગે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટે જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવામાં આવીરહી છે. જોકે શાળાઓનો તર્ક એવો છે કે અમારે અમારી શાળાના શિક્ષકો અને સ્ટાફનો પગાર કરવાનો છે. જોકે શિક્ષકોને પણ ઘર ચલાવવાનું છે ત્યારે સરકારે વાલીઓને અને શિક્ષકોનેરાહત આપવી જોઈએ અને ખાનગી શાળાઓને ગ્રાન્ટ ફાળવવી જોઈએ જેથી શાળાઓ પોતાના કર્મચારીઓને પગાર કરી શકે. અને વાલીઓ પાસેથી ફી ના ઉઘરાવે. સરકારને લોકડાઉનમાં ઘણું દાન મળ્યું છે ત્યારે આ દાનનો ઉપયોગ વિદ્યાર્થીઓની ફી માફીમાં કરવો જોઈએ. અને શાળાઓને શિક્ષકોના પગાર ચુકવવા ગ્રાન્ટ ફાળવીને કરવો જોઈએ.