આડેધડ વાહન પાર્કીંગ સામે પોલીસની લાલ આંખઃટોઈંગની કામગીરી શરૂ
- કોરોના કાળમાં ચાર મહિનાના વિરામ બાદ બજારો પૂર્વવત થતા આડેધડ વાહન પાર્કીંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી
ગાંધીનગર, તા. 25 જુલાઇ 2020, શનિવાર
કોરોના કાળમાં ચાર મહિના સુધી બજારોમાં ચહલપહલ ઓછી થયા બાદ હવે વાહન વ્યવહાર પણ પૂર્વવત થઈ ગયો છે ત્યારે આડેધડ વાહન પાર્કીંગની સમસ્યા પણ વકરી રહી છે. જેના પગલે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સેકટરોમાં ફરીને આડેધડ વાહન પાર્કીંગ સામે લાલ આંખ કરી વાહન ટોઈંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સે-૧૧ અને સે-ર૧માં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો હતો.
ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો અને બજારોમાં ખુલ્લી જગ્યા હોવા છતાં આડેધડ વાહન પાર્કીંગની સમસ્યા દિનપ્રતિદીન વધી રહી છે. ચાર મહિના પછી કોરોના કાળનો સમય વીત્યા બાદ બજારો પૂર્વવત થઈ ગયા છે અને લોકોની ચહલપહલ વધી છે અને જેના કારણે બજારોમાં આવતાં લોકો દ્વારા માર્ગો ઉપર અને આડેધડ વાહન પાર્કીંગ કરવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઈન્ફોસીટી, રીલાયન્સ ચોકડી, સે-ર૧, સે-૧૧ના કોમ્પ્લેક્ષો બહાર અને જાહેર માર્ગો ઉપર વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં આવનજાવન કરતાં ચાલકોને પારાવાર મુશ્કેલી નડી રહી છે. ત્યારે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા પણ આડેધડ વાહન પાર્કીંગ સામે લાલ આંખ શરૂ કરવામાં આવી છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફીક પોલીસના ટોઈંગ વાહનો દોડતાં થયા હતા અને સે-૧૧ તેમજ સે-ર૧ શોપીંગ સેન્ટરમાં આડેધડ વાહન પાર્ક કરનાર ચાલકોના વાહન ડીટેઈન કરી લેવામાં આવ્યા હતા. શહેરમાં પાર્કીંગ પ્લેસ વગરના કોમ્પ્લેક્ષોને આડેધડ મંજુરીઓ આપી દેવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.