મહેસાણા મામલતદાર કચેરીમાં અરજદારોના હોબાળાથી પોલીસ દોડી
- માસ્ક વિના આવેલા લોકો દંડાયા
- જાતિ અને આવકના દાખલા કઢાવવા લાઈનમાં ઉભેલા અરજદારો બફારાથી અકળાયા
મહેસાણા, તા. 02 જુલાઈ 2020, ગુરૂવાર
મહેસાણાની મામલતદાર કચેરીમાં વિવિધ દાખલા કઢાવવા આવેલા અરજદારોએ હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી. તે વખતે માસ્ક વિના પહોંચેલા કેટલાક લોકો દંડાયા હતા. વળી વહિવટી તંત્ર દ્વારા એક તબક્કે સર્ટીફીકેટ ઈસ્યુ કરવાની બંધ કરવામાં આવી હતી.
મહેસાણા સ્થિત મામલતદાર કચેરીમાં ગુરુવારના રોજ ગ્રામીણ વિસ્તારોમાંથી જાતિ તેમજ આવકના દાખલા સહિત વિવિધ સર્ટીફીકેટ કઢાવવા અરજદારોની ભીડ જામી હતી. જેના લીધે આકરા તાપ અને બફારામાં લોકોને લાંબી લાઈનમાં ઉભા રહી પોતાના વારાહની રાહ જોવી પડતી હતી. દરમિયાન અસહ્ય બફારાને કારણે એકાએક અરજદારોએ હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો. જ્યારે તંત્ર દ્વારા વિવિધ સર્ટીફીકેટ ઈસ્યુ કરવાની કામગીરી પણ બંધ કરવામાં આવી હતી. મામલતદાર કચેરીમાં અરજદારોએ મચાવેલા હોબાળાની જાણ થતા પોલીસની ટીમ દોડી આવી હતી. તે વખતે માસ્ક પહેર્યા વિનાના કેટલાક લોકો પાસેથી દંડ વસુવાની કામગીરી કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી.