વડનગર, વસઈ અને વિસનગરમાં પાન-મસાલાના વેપારીઓને ત્યાં દરોડા
- અનલોક-01 શરૃ થયા બાદ તોલમાપ વિભાગનો સપાટો
- પેકેટ પર કોઈ જાતના નિદર્શન વગર તેમજ વધુ ભાવ પડાવતા હતાઃ 2.84 લાખનો દંડ ફટકાર્યો
મહેસાણા,તા.04 જૂન 2020, ગુરૂવાર
કોરોના મહામારીમાં લોકડાઉનમાં પાન-મસાલાના વેપારીઓએ મનફાવે તેમ લૂંટ ચલાવી છે. લોકડાઉન પૂર્ણ થયું અને અનલોક જાહેર થયા બાદ પણ કેટલાક વેપારીઓ ગ્રાહકોને છેતરવાનું ચાલુ રાખ્યું છે. જેમાં મહેસાણા તોલ વિભાગ દ્વારા વડનગર, વિસનગર અને વસઈ ખાતે ડમી ગ્રાહક બની દરોડા પાડી પાન-મસાલા ગુટખાના વેપારીઓ પાસેથી ૨.૮૦લાખનો દંડ વસુલ કર્યો છે.
મહેસાણા તોલ વિભાગ વડનગર ખાતે જમનાદાસ નાનાલાલ શેઠ અને દિપક જમનાદાસ સન્સને ત્યાં ડમી ગ્રાહક બની દરોડો પાડયો હતો. તપાસ હાથ ધરતાં બંને વેપારીઓના ત્યાં પાન-મસાલાના સીલબંધ પેકેજો ઉપર છાપેલી કિંમત કરતાં વધારે ભાવ વસુલતા હતા. આ પેકેજો નિયમોનુસાર નિદર્શનો વગરના માલૂમ પડયા હતા. તેમની સામે પ્રોસીક્યુસન કેસ કરી ૩૧,૦૦૦ તથા ૬૨૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. તેજ રીતે વસઈ ખાતે પૂર્વા મસાલા અને ડીસી મસાલાવાળાને ત્યાં રેડ દરમિયાન નિયમો મુજબ રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું. બંને પાસેથી ૯૩,૦૦૦ તથા ૩૧૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ એક વેપારીનો વજનકાંટો પ્રમાણીત કરેલ ન હોઈ રૃ.૨૦૦૦નો દંડ વસુલ્યો હતો.
વિસનગર ગંજબજારમાં એચએમવી ટ્રેડર્સ તથા ટાવર નજીકના રાકેશ ટી ડેપોમાં તપાસ કરતાં પાન-મસાલા, સોપારીના સીલબંધ પેકેટો પર કોઈપણ જાતનું નિદર્શન તેમજ રજીસ્ટ્રેશન કરાવેલ ન હોઈ બંને વેપારીને ૨૯૦૦૦ તથા ૩૨,૫૦૦ દંડ વસુલવામાં આવ્યો છે. આમ તમામ વેપારીઓ પાસેથી કુલ ૨.૮૦ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.