Get The App

પંચાયતના આરોગ્ય કર્મચારી સાથે સરકારના ઓરમાયા વર્તનથી રોષ

- ગ્રામ્યવિસ્તારના ફ્રન્ટ કોરોના વોરિયર્સ એવા

- હડતાલ બાદ તમામ ૧૩ મુદ્દાઓનું સુખદ નિરાકરણ લાવવાની હૈયાધારણા નઠારી નિવડીઃ મહાસંઘ ઉગ્ર આંદોલનના મૂડમાં

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
પંચાયતના આરોગ્ય કર્મચારી સાથે સરકારના ઓરમાયા વર્તનથી રોષ 1 - image


ગાંધીનગર, તા. 21 જુલાઇ 2020, મંગળવાર

રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓના પગાર સહિતના વિવિધ પ્રાણ પ્રશ્નોને લઇને વર્ષ ૨૦૨૦ના પ્રારંભે મહાસંઘે હડતાલ સહિત આંદોલન છેડયું હતું તે વખતે સરકારે કર્મીઓને તમામ ૧૩ મુદ્દાઓનો સુખદ ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી પરંતુ ત્યાર બાદ શિક્ષકોનો ગ્રેડ પેનો પ્રશ્ન ઉકેલાયો પરંતુ અગાઉ વચન આપેલા પંચાયતના આરોગ્ય કર્મીઓના મુદ્દા ત્યાંને ત્યાં જ છે ત્યારે કોરોનાકાળમાં રાત-દિવસ કામ કરતા આ ગ્રામ્ય વિસ્તારના ફ્રન્ટ લાઇન વોરીયર્સમાં રોષ ફેલાયો છે. 

કોરોનાના આ કપરાકાળમાં દિવસ-રાત કે રજા જોયા વગર ગ્રામ્યવિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી સતત આરોગ્યની સેવા આપતા પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર્સ સન્માન યોજનાથી બાકાત રાખવામાં આવ્યા છે જેને પગલે કર્મીઓમાં વિરોધ ઉઠયો હતો તેમ છતા આ મહામારી વચ્ચે પોતાના વ્યક્તિગત પ્રશ્નને બાજુ પર મુકીને આરોગ્યની સેવા ખોરવાય નહીં અને ગ્રામજનોને ઝડપથી નિદાન અને સારવાર મળી રહે તે માટે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી ત્યારે શિક્ષકોનો ગ્રેડ પે અંગે સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે તેવી સ્થિતિમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગાઉ કરાયેલા હડતાલ અને આંદોલન બાદ તમામ ૧થી ૧૩ પ્રશ્નો અંગે સુખદ નિરાકરણ લાવવા માટે સરકારે કરેલી હૈયાધારણા યાદ આવી છે. 

મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ અતિ દુઃખની લાગણી સાથે જણાવ્યું હતું કે, ગ્રામ્યવિસ્તારમાં સતત કામગીરી કરતા આરોગ્ય કર્મીઓ સાથે અગાઉથી જ ઓરમાયું વર્તન સરકાર તરફથી કરવામાં આવી રહ્યું હતું ત્યારે હડતાલ પાડયા બાદ સરકારે તમામ ૧૩ મુદ્દાઓનું નિરાકરણ કરવા માટે આસ્વાસન આપ્યું હતું ત્યારે શિક્ષકોના પગારનો પ્રશ્ન દુર કરી શકાય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના આ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સર સામે સરકારને જોવાનો પણ સમય નથી ત્યારે હવે સરકાર દ્વારા સત્વરે આ બાબતે સકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો કોરોનાની કપરી સ્થિતિમાં ના છુટકે પંચાયતના આરાગ્ય કર્મીઓને આંદોલન કરવાની ફરજ પડશે અને આંદોલનથી થનારી અસર માટે સરકાર જવાબદાર રહેશે તેવી ચિમકી પણ મહાસંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પંચાયતના ઘણા આરોગ્ય કર્મી કોરોનામાં સપડાયા છે જેમાંથી ઘણાના મૃત્યું પણ નિપજ્યા છે તેમ છતા પંચાયતના આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર્સ સન્માન યોજનામાં ગણવામાં આવ્યા નથી.

Tags :