Get The App

કડીના પીઆઈ અને પીએસઆઈ સામે વધુ એક ગુનો નોંધાયો

- રૂ.15 લાખનો વિદેશી દારૃનો વેપલો કર્યો હોવાનો ઘટસ્ફોટ

- સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, દારૃકાંડમાં સંડોવાયેલા આરોપી પોલીસકર્મીએ હજુ ફરાર

Updated: Jun 2nd, 2020

GS TEAM

Google News
Google News
કડીના પીઆઈ અને પીએસઆઈ સામે વધુ એક ગુનો નોંધાયો 1 - image

મહેસાણા,તા.01 જૂન 2020, સોમવાર

કડી પોલીસ મથકમાં વાડ જ ચીભડાં ગળે તે ઉક્તિને સાર્થક કરતી ઘટનાનો પર્દાફાશ થતાં ઉત્તર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. દારૃકાંડની તપાસ કરવા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં દારૃ પ્રકરણમાં સંડોવાયેલા પીઆઈ સહિત ૯ પોલીસ કર્મચારીઓએ રૃ.૧૫ લાખના વિદેશી દારૃની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો છે. તે અંતર્ગત સોમવારે કડીના પીઆઈ દેસાઈ અને પીએસઆઈ પટેલ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બહુચર્ચિત દારૃકાંડમાં મળતી વિગત અનુસાર કડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ ઓ.એમ.દેસાઈ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓ લોકડાઉન દરમિયાન આર્થિક ફાયદો ઉઠાવવા બુટલેગરો પાસેથી જુદા જુદા ગુનાઓમાં કબજે લેવાયેલ વિદેશી દારૃના જથ્થાનું વેચાણ કરી રહ્યા છે. તેવી બાતમી મળતાં ગાંધીનગર રેન્જના ડીઆઈજી મયંક ચાવડાએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. જેની ગંધ આવી જતાં દારૃકાંડમાં સંડોવાયેલા પીઆઈ ઓ.એમ.દેસાઈ, પીએસઆઈ કે.એન.પટેલ, પીએસઆઈ બારા સહિત નવ પોલીસ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન આ પ્રકરણની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી અને નર્મદા કેનાલમાં પુરાવા નાસ કરવા ફેંકી દેવાયેલ દારૃની ૩૫૦ જેટલી બોટલો શોધી કાઢવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. વળી, સીટની દેખરેખ હેઠળ કડી પોલીસ મથકે બુટલેગરો પાસેથી જુદા જુદા ગુનાઓમાં કબજે લેવામાં આવેલ વિદેશી દારૃની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૃ.૧૨૧૪૩૩૮ કિંમતની દારૃની ૫૯૭૪ બોટલોની ઘર જોવા મળી હતી. જ્યારે કોઈપણ ગુનામાં કબજે લેવાયો હોય તે સિવાયની દારૃની ૧૧૫૯ બોટલો વધારાની મળી આવી હતી. 

વિડીયોગ્રાફી સાથે કબજે લેવાયેલ દારૃની ગણતરી કરાઈ

પોલીસની આબરૃના ધજાગરા ઉડાડતા દારૃકાંડના પર્દાફાશ બાદ તેની તપાસ કરતી સીટના સભ્ય ડીવાયએસપી વી.એન.સોલંકીએ દારૃના જથ્થાની ગણતરી કરવા તાકીદ કરી હતી. તે અન્વયે મહેસાણાના નાયબ પોલીસ અધિક્ષક જે.આર.વાઘેલાના સુપરવિઝન હેઠળ એલસીબી પીઆઈ પી.એ.પરમારે વિડીયોગ્રાફી સાથે કબજે લેવાયેલ દારૃના જથ્થાની ગણતરી કરી હતી. જેમાં ૫૯૭૪ બોટલો ઓછી જણાઈ હોવાનું જાણવા મળે છે. 

કબજે લેવાયેલ પૈકી ૫૯૭૪ બોટલો ઓછી તેમજ 1159 બોટલો વધુ મળી

કડી પોલીસ દ્વારા બુટલેગરો પાસેથી કબજે કરવામાં આવેલ વિદેશી દારૃની ગણતરી કરવામાં આવતાં રૃ.૧૨૧૪૩૩૮ની કિંમતની ૫૯૭૪ બોટલો ઓછી જણાઈ હતી. જ્યારે મળી આવેલા દારૃના જથ્થામાં કોઈપણ ગુનામાં કબજે લીધા સિવાયનો રૃ.૩૦૯૭૦૦ની કિંમતની ૧૧૫૯ બોટલો વધારાની હોવાનું ખુલતાં ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ થયો છે.

પોલીસ લાઈનના ક્વાર્ટર નં.૬૨ની બે ચાવીઓ હતી

અલગ અલગ ગુનાઓમાં કડી પોલીસે કબજે કરેલા વિદેશી દારૃના જથ્થાને પોલીસ લાઈનના ક્વાર્ટર નં.૬૨માં રાખવામાં આવ્યો હતો. આ ક્વાર્ટરની બે ચાવીઓ પૈકી એક પીઆઈ ઓ.એમ.દેસાઈ પાસે અને બીજી ચાવી તત્કાલીન સિનિયર પીઆઈ એ.એન.રામાણી પાસે રહેતી હતી. જોકે રામાણીની બદલી સાંથલના સીપીઆઈ તરીકે થતાં બીજી ચાવી પીએસઆઈ કે.એન.પટેલને સોંપવામાં આવી હતી. 

દારૃકાંડમાં સંડોવાયેલા આરોપી પોલીસકર્મીઓની ધરપકડ ક્યારે?

કડી દારૃકાંડમાં સંડોવાયેલા પીઆઈ સહિત નવ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ૧૦ દિવસ વિતી જવા છતાં હજુ આરોપી પોલીસ કર્મચારીઓની ધરપકડ થઈ નથી. નાના-મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડાઈ જતા હોય ત્યારે હાઈટેક યુગમાં હજુસુધી દારૃકાંડના આરોપીઓની ધરપકડ નહી થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

Tags :