કડીમાં વધુ એક મોત, બે પોઝિટિવઃ પાટણમાં 4 કેસ
- પાટણમાં 40 વર્ષીય ડોક્ટર પોઝિટિવના સંપર્કમાં આવતા કોરોનામાં સપડાયા
- પાટણમાં વધુ ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયાઃ બળીયાવાડા વિસ્તારને આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું
પાલનપુર, મહેસાણા, તા.25 મે 2020, સોમવાર
મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જેમાં લોકો બાદ હવે નર્સ અને ડોક્ટર પણ કોરોના વાઈરસનો ભોગ બની રહ્યા છે. જેમાં સોમવારે પાટણ શહેરના એક ૪૦ વર્ષીય ડોક્ટર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા કોરોનામાં સપડાતા હડકંપ મચી ગયો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરના સંપર્કમાં આવેલ તમામ લોકોની શોધખોળ શરૃ કરી દીધી છે. જેને લઈ જિલ્લામાં પોઝિટિવ કુલ આંક ૭૦ પર પહોંચી ગયો છે. જોકે બીજી તરફ પાટણ જિલ્લામાં વધુ ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઈ કુલ ૩૫ દર્દીઓ સ્વસ્થ થઈ પરત ફર્યા છે. જ્યારે ૩૧ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. મહેસાણા જિલ્લાના કડીમાં પણ એક યુવાનને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું જ્યારે કડી શહેરની રોયલ વ્યુ સોસાયટીમાં રહેતી મહિલા હૃદયની સારવાર લઈ રહ્યા હતા. તેમનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે આ મહિલાનું કોરોનાના કારણે મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે પાંચના મોત નીપજી ચુક્યા છે.
પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો કોઈ કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર રાહત અનુભવી રહ્યું હતું પરંતુ સોમવારે પાટણ શહેરમાં કાળી બજાર સોસાયટીમાં રહેતા અને બળીયાપાડા ચોકની બાજુમાં દવાખાનું ચલાવતા ૪૦ વર્ષીય આયુર્વેદિક ડોક્ટર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા તેમને છેલ્લા ૪ દિવસથી ઉધરસ, શ્વાસ, તાવ સહિતના લક્ષણો જણાતા તેમનું રવિવારે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરના દવાખાનાને કોર્ડન કરવામાં આવ્યું હતું તેમજ તેમના પાસેથી સારવાર લીધેલ લોકોની શોધખોળ કરવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી. જ્યારે પાટણ શહેરમાં કાળી બજાર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. જેને લઈ જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૭૦ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ પાટણ માટે રાહતના સમાચાર મળ્યા હતા. જેમાં પાટણ જિલ્લામાં વધુ ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં દેથળી ડેન્ટલ કોલેજમાંથી પાટણ શહેરમાં રામકીવાવ પાસેની દ્વારીકા નગરીમાં રહેતા ૬૨ વર્ષીય વૃધ્ધ તેમજ સરસ્વતી તાલુકાના કાતરા ગામના ૪૬ વર્ષીય અને ૨૫ વર્ષીય પુરુષોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે રવિવારે ૮૦ વર્ષીય વૃધ્ધ મહિલા તેમજ ૨૪ વર્ષીય મહિલા નર્સને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જેને લઈ બે દિવસમાં કુલ પાંચ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં ાવતા હાલમાં ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધી કુલ ૩૫ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે તો ચાર લોકોનું મોત નીપજ્યું છે.
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ પરિસ્થિતિ મુજબ ૧૨૦૮ જેટલા સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૦૭૬ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જ્યારે ૩૫ સેમ્પલના પરિણામ પેન્ડીંગ છે. હાલમાં મહેસાણા જિલ્લામાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ૩૨ છે. જ્યારે ૫૩ જેટલા દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં આજે ૧૬ સેમ્પલના રીઝલ્ટ જાહેર થયા હતા. જે તમામ સેમ્પલના રિઝલ્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે કડીની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા સુનિલભાઈ ત્રિવેદી જે અમદાવાદ ખાતે ચાંગોદર ક્લેરીસ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. તેમનું સેમ્પલ જાયડ્સ હોસ્પિટલમાં ૨૫ મે ના રોજ લેવાતા જે પોઝિટિવ જાહેર થયેલ છે. તેમને અત્યારે સારવાર અર્થે સીસીસી ખેરવા ખાતે દાખલ કરવામાં આવેલ છે. જ્યારે કડીની રોયલ વ્યુ સોસાયટીના રહીશ સુધાબેન શર્મા જી.એમ.ઈ. આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે ૨૪ મે ના રોજ હૃદયની સારવારઅર્થે દાખલ થયા હતા અને જેઓને હોસ્પિટલમાં બાયપાસ સર્જરી પણ કરાવી હતી. તેઓનું ગતરોજ સેમ્પલ લીધેલ હતું અને તેમનું અવસાન થયેલ છે. આ સેમ્પલ આજરોજ પોઝિટિવ જાહેર થયું હતું.
પાટણ જિલ્લામાં વધુ ત્રણ દર્દીઓ ડિસ્ચાર્જ થયા
પાટણ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઈ પરત ફરી રહ્યા છે. જેમાં રવિવારે બે દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ત્યારબાદ સોમવારે દેથલી ડેન્ટલ કોલેજમાંથી આજે ત્રણ દર્દીને રજા આપવામાં આવી હતી. જેમાં પાટણ શહેરમાં રાણકીવાવ પાસેની દ્વારીકાનગરીના ૬૨ વર્ષીય વૃધ્ધ તો સરસ્વતીના કાતરા ગામના ૪૬ વર્ષીય અને ૨૫ વર્ષીય પુરુષ સ્વસ્થ થતા ત્રણેય દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લામાં હજુ 148 દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ
પાટણ જિલ્લામાં અત્યાર સુધી ૧૮૭૫ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૧૬૫૯ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ૭૦ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ૩૫ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે ૩૧ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. તો શંકાસ્પદ ૧૪૮ દર્દીઓનો રીપોર્ટ પેન્ડીંગ રહેવા પામ્યો છે.