Get The App

પાંચ કરોડ લીટરથી વધુ પાણીમાં દારૂ ભળ્યો, દારૂવાળુ પાણી પીવા લોકો મજબૂર

- કડીની કેનાલમાં નાખેલા દારૃની હજારો બોટલો તૂટી ગઈ

- કડી કેનાલમાંથી મહેસાણા જિલ્લો બનાસકાંઠા જિલ્લો, કચ્છ જિલ્લો તથા રાજસ્થાનમાં પાણીનું વિતરણ થાય છે

Updated: May 25th, 2020

GS TEAM

Google News
Google News
પાંચ કરોડ લીટરથી વધુ પાણીમાં દારૂ ભળ્યો, દારૂવાળુ પાણી પીવા લોકો મજબૂર 1 - image

મહેસાણા, તા. 24 મે 2020, રવિવાર

કડી પોલીસ સ્ટેશનના અનેક પોલીસ કર્મચારીઓએ દારૃ વેચવાનું કૌભાંડ કર્યું હતું. જેની ગંધ રેન્જ આઈજી સુધી પહોંચતા અનેકને રેલો આવ્યો હતો. પરંતુ આ રેલો વધુ ન આવે તે માટે પોલીસ અધિકારીઓએ પોતાની ચતુરાઈથી વધારાનો દારૃ કડીની નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. આ કેનાલમાંથી છેલ્લા ૩૬ કલાકમાં એનડીઆરએફની ટીમ દારૃ કાઢવાનું કામ કરી રહી છે. જેમાં હજારો બોટલ તૂટી ગઈ હોવાનું ખુલ્યું છે. આ ફૂટી ગયેલી બોટલોનો દારૃ પાણીમાં ભળી ગયો છે અને પાંચ કરોડ લીટરથી વધુનું વિતરણ આ કેનાલમાંથી થાય છે ત્યારે લોકો આ પાણી પીવા મજબૂર બન્યા છે. 

કડીની નર્મદા કેનાલમાંથી મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, કચ્છ જિલ્લો તેમજ રાજસ્થાનના અમુક વિસ્તારોમાં પાણીનું વિતરણ થાય છે. નર્મદાનું પાણી એ ફક્ત પીવા માટે વપરાય છે, અમુક વેળાએ સરકાર આ પાણી સિંચાઈ માટે આપે છે પરંતુ હાલ આ પાણી ફક્ત ને ફક્ત પીવા માટે જ વપરાય છે. રોજનું ૫ કરોડ લીટરથી વધુનું પાણીનું વિતરણ અહીંથી થઈ રહ્યું છે તેવું નર્મદા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. કડી પોલીસ સ્ટેશનની વાત કરીએ તો લોકડાઉનમાં હજારો રૃપિયાનો દારૃ વેચાયો હતો. પોલીસ કર્મચારીઓની પણ આમાં સંડોવણી હતી. આ વધારાના દારૃનું શું કરવું ? તેવું કડી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ મહેસાણા જિલ્લા પોલીસવડાને પુછ્યું ન હતું. જિલ્લા પોલીસવડાને અંધારામાં રાખી આ ગોરખધંધો ચાલુ રાખ્યો હતો. પરંતુ પાપ છાપરે પોકારે તેવી રીતે આ સમગ્ર ઘટનાની ગંધ રેન્જ આઈજી સુધી પહોંચી ગઈ હતી. જેના લીધે રેન્જ આઈજીએ મહેસાણા જિલ્લા એસપીને સમગ્ર તપાસ કરવાનું કહ્યું હતું, પરંતુ એસપી મનિસસિંહે આ તપાસ બહારના જિલ્લાના એસપીને સોંપવા માટે ભલામણ કરી હતી. જેથી રેન્જ આઈજીએ ગાંધીનગર એસપીને સમગ્ર ઘટનાની તપાસ કરવાનો કીડો આપ્યો હતો. આ તપાસ દરમિયાન એવું ખુલ્યું હતું કે કડીની નર્મદા કેનાલમાં વધારાની બોટલો નાખી જવાય છે. જો આ બોટલો તપાસ કર્તાના હાથમાં આવે તો અનેક પોલીસ અધિકારીઓના તપેલા ચઢી જાય તેમ હતા.

પરંતુ ગાંધીનગર એસપીએ પોતાની આગવી ઢબે પુછપરછ કરી વધારાનો દારૃ ક્યાં રાખ્યો છે તે શોધી કાઢ્યો હતો. આ તમામ દારૃ કડીની મુખ્ય નર્મદા કેનાલમાં નાખી દીધો હતો. આ કેનાલમાથી એનડીઆરએફની ટીમે દારૃનો મોટો જથ્થો બહાર કાઢ્યો હતો. પરંતુ હજારો બોટલ અંદર ફૂટી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે આ દારૃની બોટલોના લીધે નર્મદાના પાણીમાં દારૃ મીક્ષ થઈ ગયો હતો. જેના લીધે દરરોજ કરોડો લોકોએ આ પાણી પીધું હતું. હવે ગુજરાતમાં દારૃબંધી હોવાથી એમ પણ લોકો દારૃને હાથ અડાડતા નથી ત્યારે અનેક ધર્મો અને સંપ્રદાયોમાં દારૃ હોય કે નશો કરવા માટે પણ પાબંધી છે ત્યારે નાછુટકે લોકો આ પાણી પીવા માટે મજબુર બન્યા હતા. 

કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, રાજસ્થાનમાં પાણી જાય છે

આ અંગે નર્મદા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે કડી નર્મદા કેનાલનું પાણી કચ્છ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો તેમજ રાજસ્થાનના સાંચોર સુધી જાય છે. દરરોજ ૫ કરોડ લીટર પાણીનું વિતરણ આ કેનાલમાંથી થઈ રહ્યું છે. આ કેનાલનું પણ ફક્ત પીવા માટે જ ઉપયોગ થાય છે. 

પાણીમાં ભળેલો દારૃ ફીલ્ટર થાય  ? તે  ખબર નથીઃ  પા.પુ.બોર્ડ

કડી પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ જણાવ્યું કે નર્મદા કેનાલમાં લાશોના ઢગલાથી માંડી અનેક જાનવરોના મોત થતા રહે છે. ત્યારે નર્મદા વિભાગ અમને જ્યારે પાણી આપે છે ત્યારે અમે પાણીને ફીલ્ટર કરીને જ લોકોને આપીએ છીએ. પરંતુ આ પાણીમાં જો દારૃ મીક્ષ થાય તો તેનું ફીલ્ટર થાય કે કેમ તે હજુ સુધી સાબિત થયું નથી. એટલે અમે એવું ન કહી શકીએ કે દારૃ મીક્ષ કરેલું પાણી ફીલ્ટર થયેલું હતું કે નહીં !

રમજાન માસમાં હજારો મુસ્લિમોએ નર્મદાનું પાણી પીધું હશે 

કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને રાજસ્થાનમાં અનેક મુસ્લિમ પરિવારો રહે છે. અત્યારે પવિત્ર રામજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમોએ પણ આ પાણી પીવા મજબુર થવું પડયું હશે. આ અંગે મહેસાણા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જે પણ લોકોએ આ કૃત્ય કર્યું હશે તેને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે. હાલ અમારો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. અમારા માટે દારૃ એ હરામ છે.

Tags :