મહેસાણા: વર્ષાબેન પટેલ 37 મત સાથે પાલિકાના પ્રમુખ બન્યા
- શહેર ભાજપના મહામંત્રીના પત્ની પ્રમુખ
- ઉપપ્રમુખ તરીકે કાનજી દેસાઈ જ્યારે પાલિકાના મહત્વની એવી કારોબારીમાં કૌશિક વ્યાસને સ્થાન
મહેસાણા,તા.17
મહેસાણા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે બેઠક મળી
હતી. જેમાં પ્રમુખ તરીકે વર્ષાબેન મુકુંદભાઈ પટેલની જાહેરાત કરવામાં આવી હતી તો
ઉપપ્રમુખ તરીકે કાનજી દેસાઈની વરણી કરવામાં આવતા ભાજપના નગરસેવકોએ
પ્રમુખ-ઉપપ્રમુખને વધાવી લીધા હતા. જ્યારે પાલિકા માટે મહત્વની કહી શંકાયે એવી કારોબારી ચેરમેનની પોસ્ટ માટે કૌશિક
વ્યાસની પ્રસંદગી કરાઇ છે.
મહેસાણા નગરપાલિકાની ૪૪ બેઠકો માટે ફેબુ્રઆરી માસમાં ચુંટણી
યોજાઈ હતી અને ૨ માર્ચના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ૩૭ બેઠકો પર ભાજપના
નગરસેવકોની જીત થઈ હતી. જ્યારે ૭ બેઠકો કોંગ્રેસ હસ્તક રહી હતી. ૩૭ બેઠકો ભાજપને મળતા નગરપાલિકા ભાજપ હસ્તક રહી હતી. આ
જીત બાદ પાલિકામાં પ્રમુખ,
ઉપપ્રમુખની ચુંટણીની રાહ જોવાઈ રહી હતી. જેમાં કલેક્ટરે જાહેરનામું પાડી
પ્રમુખ-ઉપપ્રમુખની ૧૭ માર્ચે ચુંટણી જાહેર કરી હતી. જે અંતર્ગત મહેસાણા નગરપાલિકા
સભાખંડમાં અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખની
ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ તરફે વર્ષાબેન મુકુંદભાઈ પટેલ તો સામાપક્ષે
કોંગ્રેસપક્ષ તરફે પ્રમુખ પદની ઉમેદવાર તરીકે નંદાબા ઝાલાનું ફોર્મ ભરાયું હતું.
જેમાં ચુંટણી કરાતા ભાજપના નગરસેવક વર્ષાબેન પટેલને ૩૭ મત જ્યારે નંદાબા ઝાલાને ૭
મત મળ્યા હતા. જેથી વર્ષાબેન પટેલને પાલિકા પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયા હતા.
તો ઉપપ્રમુખ માટે ભાજપ પક્ષ તરફથી કાનજી દેસાઈ અને કોંગ્રેસ તરફે ઉપપ્રમુખના પદ
માટે હાર્દિક સુતરિયાનું ફોર્મ ભરાતા હોલમાં ઉપપ્રમુખની ચુંટણી કરવામાં આવી હતી.
જેમાં ભાજપના ઉમેદવાર નગરસેવક કાનજી દેસાઈને ૩૭ મત તો હાર્દિક સુતરીયાને ૭ મત
મળ્યા હતા. જેથી આ ચુંટણીમાં કાનજી દેસાઈને ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયા હતા. આ
ઉપરાંત ભાજપે કારોબારી ચેરમેન તરીકે કૌશિક વ્યાસ, પક્ષના નેતા તરીકે કીર્તિભાઈ શંકરભાઈ પટેલ અને દંડક તરીકે
વિનોદ પટેલની વરણી કરી હતી. આ તમામ પદાધિકારીઓની વરણીને ભાજપના નગરસેવકોએ વધાવી લઈ
શુભેચ્છાઓ પાઠવી હતી.
શહેરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપીશુંઃ પ્રમુખ
મહેસાણા નગરપાલિકાના નવીન પ્રમુખ વર્ષાબેન પટેલે પ્રમુખપદ
સંભાળતા શહેરના વિકાસની સાથે સાથે શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતાને
પ્રાધાન્ય આપીશું. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી નથી પહોંચતું ત્યાં પાણીની લાઈનો
નંખાવી તેમજ પાણીના ટાંકા બનાવવા ઉપરાંત ભૂગર્ભ ગટરો ન ઉભરાય તેને લઈ નાયબ
મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની મંજુરી મળે તો નવા પમ્પીંગ સ્ટેશનોનું નિર્માણ
કરાવવામાં આવશે.
કોંગ્રેસના નવા નગરસેવકોએ હાર ન સ્વિકારી
મહેસાણા નગરપાલિકામાં ૩૭ બેઠકો ભાજપને મળી છે. જ્યારે ૭
બેઠકો કોંગ્રેસના ફાળે આવી છે. ૭ બેઠકો આવવા છતા કોગ્રેસના નગરસેવકોએ હાર સ્વિકારી
ન હતી. અને પ્રમુખ, ઉપપ્રમુખ
માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
પાલિકાની વરણીમાં મહેસાણા-૨નો દબદબો
કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્કએ મહેસાણા-૧માંથી આવેલ છે.
ભાજપે સ્પષ્ટ બહુમતી હાશીલ કરતા જ મહેસાણા -૧ની વરણીઓ માંથી બાદબાકી કરી નાખી છે.
આમ હવે નગરપાલિકામાં મહેસાણા-૧માંથી ચુંટાયેલા કોંગ્રેસના ઉમેદવારોએ કામો કરાવવા
માટે લોઢાના ચણા ચાવવા પડશે.