મહેસાણા:પક્ષાંતરધારાની કામગીરી વિલંબે પડતાં હાઈકોર્ટે નોટીસ ફટકારી
- નગરપાલિકાના બે કોંગી કોર્પોરેટરોએ દાદ માંગી હતી
- નામોનિર્દેશ અધિકારી તેમજ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પાંચ નગરસેવકોને નોટીસ મળી
મહેસાણા,તા.18 જૂન 2020, ગુરૂવાર
મહેસાણા નગરપાલિકામાં ચુંટાયેલા કોંગ્રેસના પાંચ નગરસેવકોએ બળવો કરીને ભાજપમાં જોડાયા હતા. આ સંદર્ભે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવા માટે ગાંધીનગર સ્થિત નામોનિર્દેશ અધિકારી સમક્ષ ચારેક માસ પૂર્વે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તેનો નિર્ણય કરવામાં વિલંબ થતાં છેવટે કોંગ્રેસના બે સિનીયર નગરસેવકોએ સમગ્ર મામલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં અદાલતે નામોનિર્દેશ અધિકારી અને પાંચ કોર્પોરેટરોને નોટીસ ફટકારી છે.
સર્જાયેલા વિવાદ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે, મહેસાણા નગરપાલિકામાં ચુંટાયેલા કોંગ્રેસના ૨૯ નગરસેવકો પૈકી છ માસ પૂર્વે પાંચ કોર્પોરેટરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પક્ષપલટો કરનાર પાંચેય કોર્પોરેટરો વિરુદ્ધ પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવા ગાંધીનગર સ્થિત નામોનિર્દેશ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. અને પુરાવા પણ રજૂ કરાયા હતા. જોકે આ મામલે યેનકેન પ્રકારે નિર્ણય થવામાં વિલંબ થતાં છેવટે મહેસાણા નગરપાલિકામાં ચુંટાયેલા કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર જયદિપસિંહ ડાભી અને અમિત પટેલ દ્વારા હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. આ કેસ જજ એ.વાય.ખોજાની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદપક્ષના એડવોકેટ બીના ગીરીશભાઈ બારોટ અને ચિંતન ચાંપાનેરીની દલીલો ધ્યાને રાખીને અદાલતે ગેરબંધારણીય રીતે નિર્ણય કરવામાં વિલંબ કરનાર નામોનિર્દેશ અધિકારી તેમજ પક્ષાંતરણધારાનો ભંગ કરનાર પાંચ કોર્પોરેટરોને નોટીસ ફટકારી છે.
કોને કોને નોટીસ મળી
નામો નિર્દેશ અધિકારી, ગાંધીનગર
રમેશ પટેલ (કાર્પોરેટર), પલ્લવી પટેલ (કોર્પોરેટર), મહેશ પટેલ (કોર્પોરેટર), સુનીલ ભીલ (કોર્પોરેટર), સંજય બ્રહ્મભટ્ટ (કોર્પોરેટર)
પોતાના ફાયદા માટે પક્ષ બદલનારાને સબક મળશે
મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર જયદિપસિંહ ડાભીએ જણાવ્યું હતું કે પોતાના અંગત સ્વાર્થ ખાતર પક્ષ બદલતા કોર્પોરેટરોએ જનાદેશ વિરુદ્ધ નિર્ણય કર્યો છે. તેઓનું સભ્યપદ રદ્દ થતાં અન્યોને પણ સબક મળશે.