મહેસાણા: ગોવિંદવાડી, સાંથલ, કસલપુરા ગામમાં તીડના ઝુંડનો હૂમલો
- જોટાણા પંથકમાં બીજા દિવસે પણ તીડનો ત્રાસ
- અવાજ તેમજ ધુમાડો કરી તીડ ભગાડવા ખેડૂતો કામે લાગ્યાઃ મહેસાણા તાલુકાના વડોસણમાં પણ તીડ દેખાયા
મહેસાણા,તા.13 જૂન 2020, શનિવાર
જોટાણા પંથકમાં બીજા દિવસે પણ તીડનો ત્રાસ યથાવત રહેવા પામ્યો હતો. ગતરોજ સાંજે તાલુકાના કટોસણ સહિત વિસ્તારમાં તીડ જોવા મળ્યા બાદ આજે બપોરે ગોવિંદવાડી, સાંથલ, કસલપુરામાં તીડના ઝંુંડ જોવા મળ્યા હતા. તીડ ભગાડવા તીડ નિયંત્રણ ટીમો સહિત ખેડૂતો કામે લાગ્યા હતા. જ્યારે મહેસાણા તાલુકાના વડોસણમાં પણ તીડે દેખા દીધી હતી.
પાટણ અને બનાસકાંઠા સરહદોને અડીને આવેલ ગામોમાં બુધવાર તેમજ ગુરૃવારે તીડના ઝુંડ જોવા મળ્યા હતા. પવનની દિશા તરફ આ તીડના ઝુંડ વળતા શુક્રવારે બહુચરાજીના શંખલપુર, સાપાવાડા તેમજ જોટાણાના કટોસણ સહિત ગામોમાં તીડ પ્રવેશ્યા હતા. આ અંગેની જાણ ખેતીવાડી અધિકારીઓને થતા તીડ નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે આ તીડ વિરમગામ તેમજ સુરેન્દ્રનગર તેમજ ગાંધીનગર તરફ પવનની દિશા તરફ ફંટાતા આ જિલ્લાઓને સાવધાન કરાયા હતા. જોકે આ તીડના ઝુંડ પૈકી કેટલાય તીડ જોટાણા તાલુકાના ગોવિંદવાડી, સાંથલ અને કસલપુરા ખાતે શનિવાર બપોરે ખેડૂતોને જોવા મળ્યા હતા. ખેડૂતોના પાકને નુકશાન ન કરે તે હેતુસર ખેડૂતો દ્વારા ધુમાડો તેમજ થાળી-વેલણથી અવાજ કરી તીડ ભગાડવા કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ મહેસાણા ખેતીવાડી કચેરીને જાણ થતા ખેતીવાડી કચેરીની ટીમ સહિત તીડ નિયંત્રણ ટીમો તીડ પ્રભાવિત ગામોમાં દોડી જઈ તીડ ભગાડવા દવા છંટકાવ સહિતની કામગીરી શરૃ કરી હતી.
તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન
જોટાણાના ગોવિંદવાડી, કસલપુરા, સાંથલ ખાતે તીડના ઝુંડ આવતા ખેડૂતો ભારે ત્રસ્ત બન્યા છે. આ મામલે ખેડૂત કિરણ સુથારે જણાવ્યું હતું કે શનિવાર બપોરે ગોવિંદવાડી, સાંથલ, કસલપુરા ગામની સીમમાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા. જોકે એક તરફ કોરોના અને બીજી તરફ તીડથી ખેડૂતો ભારે પરેશાન બન્યા છે. ખેડૂતોએ અવાજ તેમજ ધુમાડો કરી તીડ ભાગડયા હતા.
તીડ નિયંત્રણ માટે છ ટીમો દ્વારા દવા છંટકાવ
જોટાણા પંથકમાં તીડના ઝુંડ જોવા મળતા જિલ્લા ખેતીવાડી કચેરી તેમજ સ્થાનિક ટીમો અને કેન્દ્ર તીડ નિયંત્રણ ટીમ મળી છ ટીમો તીડ નિયંત્રણની કામગીરીમાં લાગી હતી. મહેસાણા અને અમદાવાદ બોર્ડર પર આવેલ જોટાણા તાલુકો અને દેત્રોજના અમરપુરા બોર્ડર પર આવેલ ગામોની સીમમાં ટીમો દ્વારા દવા છંટકાવની કામગીરી કરી હતી. મોટાભાગના તીડ અમદાવાદ જિલ્લા તરફ ગયા હોવાની ખેતીવાડી કચેરીના સુત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી.