Gujarat

મહેસાણા:અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે અસમંજસ

By GS Team
19 Jun 20202 mins read
This article was originally published on 19 Jun 2020
મહેસાણા:અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે અસમંજસ

મહેસાણા,તા.18 જૂન 2020, ગુરૂવાર

મહેસાણા જિલ્લામાં પાંચ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળે છે. પરંતુ કોરોના સંક્રમણને લઈને ચાલુ સાલે રથયાત્રાઓ નીકળવા મામલે અસમંજસ પરિસ્થિતિ સર્જાઈ છે. રથયાત્રાના આયોજકોએ મંજુરી માંગી છે. તો વહિવટીતંત્ર દ્વારા પોલીસ તપાસણી બાદ કાર્યવાહી કરાશે તેવી માહિતી મળેલ છે.

મહેસાણા જિલ્લામાં વિસનગર, વડનગર, ગોઝારીયા અને કડી નગરમાં બે સ્થળોએ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. પરંતુ ચાલુ સાલે કોરોના સંક્રમણ અને લોકડાઉન વગેરે ધ્યાને લઈ આ રથયાત્રાઓ હજુ વહિવટી મંજૂરી ન મળતાં નીકળશે કે કેમ? તે માટે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જોકે ગોઝારીયામાં રથયાત્રાના આયોજકોએ જ નહી કાઢવાનો નિર્ણય કર્યો છે. વડનગર અને કડીમાં મંજુરી માંગવામાં આવી છે. જેમાં પ્રાંત અને મામલતદાર દ્વારા જે તે પોલીસ સ્ટેશને તપાસ કરાવવા જણાવેલ હોવાથી પોલીસની કાર્યવાહી બાદ જ મંજુરી મળી શકશે. આયોજકોએ કોરોના સંક્રમણને લઈને સરકારની ગાઈડ લાઈન અને મંજુરી પ્રમાણે રથયાત્રા કાઢવાની કાર્યવાહી કરાશે. જ્યારે વિસનગરમાં જિલ્લાની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. પરંપરાગત નીકળતી રથયાત્રાના દર્શન કરવા પંથકમાંથી બે થી ત્રણ લાખ લોકો ઉમટે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી હોઈ તેમજ વિસનગરમાં પણ કોરોના પોઝીટીવના કેસ વધતા લોકો કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે રથયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

રથયાત્રા નિમિત્તે ડીવાયએસપી એમ.બી.વ્યાસ, પીઆઈ પી.કે.પ્રજાપતિ, હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓ વિગેરેની હાજરીમાં શાંતિ સમિતિની મિટીંગ મળી હતી. અષાઢી બીજે લોકો ભગવાન જગન્નાથજી, બહેન સુભત્રાજી અને ભાઈ બાલભત્રજીના દર્શન કરી શકે તે માટે ભગવાને રથમાં બેસાડી રથ મુકવામાં આવશે. જ્યાં રથયાત્રાના સમય દરમિયાન દર્શનાર્થીઓ બહારથી દર્શન કરી શકશે. સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. રથયાત્રા નિમિત્તે આજરોજ હરિહર સેવા મંડળમાં ભગવાનનો રથ કાઢી સફાઈ કરવામાં આવી હતી.