મહેસાણા બ્લુરે એવિએશન કંપનીનો ૬૫ લાખ વેરો ચઢ્યો
- પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખની વસૂલાત કરવા માંગ
- એરસ્ટ્રીનો વેરો ભરવાના વિવાદમાં પાયલોટ ટ્રેનીંગ આપતા કંપનીએ વેરો ન ચુકવ્યો
મહેસાણા, તા. 30 મે 2020, શનિવાર
મહેસાણા હાઈવે પર આવેલા એરોડ્રામમાં પાયલોટ ટ્રેનીંગ સ્કૂલ ચલાવતી કંપની દ્વારા નગરપાલિકા દ્વારા વારંવાર જાણ કરવા છતાં બાકી વેરો નહીં ભરતા અત્યાર સુધી રૃા. ૬૫ લાખ જેટલો વેરો ચડી ગયો છે. તે અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ સિનિયર કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસર સમક્ષ રજુઆત કરીને વેરાની વસુલાત કરવા માંગણી કરી છે
એરોડ્રામના વેરા વસૂલાતનો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી નિરંતર ચાલતો રહ્યો છે. હાલ મહેસાણા એરોડ્રામમાં બ્લુરે એવિએશન નામની કંપની પાયલોટ ટ્રેનીંગ સ્કૂલ ચલાવી રહેલ છે. નિયમો મુજબ આ પાયલોટ ટ્રેનીંગ સ્કૂલ મિલકત અને એરસ્ટ્રીપ સહિતનો વેરો પ્રતિવર્ષ ભરવાનો થાય છે. પરંતુ કંપની દ્વારા હજુ સુધી પાલિકામાં વેરો ભરવામાં આવ્યો નથી. વેરાની વસૂલાત માટે વારંવાર નગરપાલિકાના વેરા શાખા દ્વારા બ્લુરે કંપનીને જાણ કરવામાં આવી છે. જેમાં કંપની દ્વારા બિલ્ડીંગનો વેરો ભરવાની તૈયારી દર્શાવી છે પણ એરસ્ટ્રીપનો વેરો ભરવાનો નનૈયો ભણતા વિવાદ સર્જાયો છે અને અત્યાર સુધીમાં રૃા. ૬૫ લાખ જેટલો વેરો ચડી ગયો છે. આ અંગે મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ કોંગ્રેસના કોર્પોરેટર જયદિપસિંહ ડાભીએ ચીફ ઓફિસર સમક્ષ રજુઆત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે અગાઉ કોંગ્રેસના શાસનકાળમાં અહીં ટ્રીપલ એ કંપનીને ત્રણ વખત સીલ મારી આશરે રૃા. ત્રણ કરોડના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી ત્યારે બ્લુરે કંપની પાસેથી પણ ચડેલ રૃા. ૬૫ લાખના વેરાની રકમ વસૂલાત માટે સીલ મારવાની કાર્યવાહી કરવા માંગ કરી છે.
અન્ય બાકીદારો સામે સૂરી પાલિકા એવીએશન કંપનીના મામલે ચૂપ !
મહેસાણા પાલિકા તંત્ર કોમર્શિયલ કે રહેણાંક મિલ્કતોના વેરાની વસૂલાત કરવા પગલા ભરવામાં તત્પરતા દર્શાવે છે તેવુ ંજણાવતા ઘનશ્યામ સોલંકી અને જયદીપ ડાભીએ કહ્યું હતું કે બ્લુરે એવિએશન કંપનીએ વેરાનો એક પૈસો ભર્યો ન હોવા છતાં પાયલોટ ટ્રેનીંગ સ્કૂલ શરૃ કરી દીધી છે.