મહેસાણા ૪૩.૫ ડિગ્રી તાપમાન
- ઉત્તર ગુજરાતમાં આકાશેથી અગ્નિવર્ષે અનૂભુતિ
- પાણી જન્ય રોગોમાં ચિંતા જનક વધારો બપોરે કર્ફયુ જેવો માહોલ
મહેસાણા તા.27, એપ્રિલ, 2019, શનિવાર
શનીવારનો
દિવસ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીનો સૌથી ગરમ રહ્યો છે મોટાભાગાના શહેરોમાં
ગરમીનું તાપમાન 43 ડિગ્રીથી 44 ડિગ્રી
વચ્ચે રહેતા લોકો પરસેવે ન્હાઇ રહ્યા છે. આકાશમાંથી વરસી રહેલા અગનગોળાને કારણે
લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ચક્કર,મુર્છિત થવાના કેસો
સહિત ટાઇફોઇડ,મેલેરીયા,ઝાડા-ઉલ્ટી અને
તાવના કેસોમાં ચિંચાજનક વધારો નોંધાયો છે. આોગ્ય તંત્ર દ્વારા બપોરે 12 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં
આવી રહી છે.
ઉત્તર ગુજરાતમાં
આ વર્ષે ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. ગરમીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું
છે. આકાશમાંથી અગ્નિવર્ષા થઇ રહી હોવાથી મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લાના
લોકો ભઠ્ઠીમાં રીતસર સેકાઇ રહ્યા છે. ચામડી બળે તેવી આકરી ગરમીને કારણે બપોરના સુમારે
કર્ફયુ જેવો માહોલ સર્જાયો છે. ગરમીમાં સતત થઈ રહેલા વધારાથી તેની જનજીવન પર માઠી અસરો
વર્તાઇ છે. બપોરના સુમારે મુખ્ય બજારો અને રસ્તાઓ ભેંકાર ભાસી રહ્યા છે. વળી પાણીજન્ય
રોગોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં
ટાઇફોઇડ, મેલેરીયા, ઝડા-ઉલ્ટી અને તાવના
દરદીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે સનબર્નસ અને મૃત્યુનું પ્રમાણ પણ
વધવા પામ્યું છે.
હવામાન વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર શનીવારે
મોડાસામાં 44 ડિગ્રી, વિસગરમાં 44 ડિગ્રી,
મહેસાણા 43.5 ડિગ્રી, બેચરાજી
44 ડિગ્રી, હિંમતનગર 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોમાં 41
ડિગ્રીથી 43 ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યું હતું. ઉત્તર
ગુજરાતીને અડીને આવેલા પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં પણ 37
ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાન તરફથી ફુંકાઇ રહેલા પવનને કારણે ઉત્તર
ગુજરાતમાં અગામી 10 દિવસ સુધી હીટવેવની અસર રહે તેવા વર્તારા
છે. એપ્રીલના મધ્યથી ઉનાળાએ રૌદ્ર સ્વરૃપ બતાવતાં હજુ મે મહિનો આકરો રહે તેવી
શકયતાઓ જણાય છે.કાળઝાળ ગરમીને કારણે લોકો બપોરના સુમારે ઘરની બહાર નીકળવાનું ટાળી
રહ્યા છે. જેનાથી મહેસાણા, પાટણ અને પાલનપુરના બજારો,
સરકારી કચેરીઓ, બેંકો, અર્ધસરકારી
કચેરીઓમાં લોકોની પાંખી હાજરી જોવા મળે છે. જ્યારે રાત-દિવસ ધમધમતા રસ્તાઓ સુમસામ
બન્યા છે.