જિલ્લાના ઘણા પેટા આરોગ્ય કેન્દ્રોમાં થર્મલ ગન પણ નથી
- કોરોનાકાળમાં આરોગ્ય સેવા સામે સવાલો
ગાંધીનગર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
કોરોનાના આ કપરાકાળમાં નવા કામો સ્થગિત કરીને સરકારે પણ કરકસરભર્યો વહિવટ કરવા માટે તમામ વિભાગોને સુચના આપી છે તો મોટભાગની ગ્રાન્ટ આરોગ્યક્ષેત્રે વપરાય તેવું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાની આરોગ્ય સેવાઓ સામે ભાજપના જ સદસ્યએ સવાલો ઉભા કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના ઘણા પેટા આરોગ્ય કેન્દ્ર પાસે પલ્સ ઓક્સિમીટર જ નહીં પરંતું થર્મલ ગન પણ નથી.તો બીજીબાજુ સરકારી તંત્રએ સ્વભંડોળમાંથી ૫૦ લાખની કોવીડની કામગીરી માટે માંગણી કરી હતી પરંતુ તમામ સદસ્યોએ તેનો ઇનકાર કર્યો હતો તથા રાજ્ય સરકાર દ્વારા મળેલી સવા કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
જિલ્લા આરોગ્ય તંત્રએ કોરોના સામે લડવા માટે રૂપિયા ૫૦ લાખ સ્વભંડોળમાંથી માંગ્યા પણ સદસ્યોનો ઇનકાર
કોરોનાએ ગરીબ અને સામાન્ય વર્ગના ઘરખર્ચ જ નહીં દેશના આર્થતંત્ર ઉપર પણ વિતરીત અસર કરી છે તેવી સ્થિતિમાં રાજ્ય સરકારે પણ અન્ય ક્ષેત્રેમાં ખર્ચા બંધ કરીને હાલ કરકસરભર્યો વહિવટ કરવા માટે તમામ વિભાગો અને સરકારી કચેરીઓને સુચના આપી છે તો બીજીબાજુ સરકારે પણ વધુમાં વધુ રૂપિયા આરોગ્યક્ષેત્રે અને તેમાં પણ આરોગ્યની સેવાઓ મજબુત કરવા પાછળ વપરાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની તાજેતરમાં મળેલી સમાન્ય સભામાં ભાજપના જ સદસ્યએ જિલ્લાના ઘણા પેટા આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યના પુરતા સાધનો નહીં હોવાનો ખુલાસો કર્યો હતો તેમણે એ પણ કહ્યું હતું કે, પેટા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને તપાસવા માટે પલ્સ ઓક્સિમીટર નથી એટલુ જ નહીં, દર્દીના તાપમાનનું પ્રમાણ બતાવતી થર્મલ ગન પણ આરોગ્ય કેન્દ્રોમાં નથી તેવી સ્થિતિમાં જિલ્લામાં આરોગ્યની સેવાઓ કેવી મળતી હશે તે તો વિચારીને જ કમકમાટી થઇ જાય છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાઓ સઘન બનાવીને કોરોનાના કેસ ઓછા થાય તે માટેના પ્રયત્નો કરવા માટે જિલ્લાના સદસ્યોએ આરોગ્ય તંત્રને સલાહ આપી હતી તો બીજીબાજુ જિલ્લા આરોગ્ય તંત્રએ કોરોનાની આ મહામારીમાંથી ગ્રામજનોને ઉગારવા માટે અને આરોગ્યલક્ષી ચિજવસ્તુઓ ખરીદવા માટે પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિાય ૫૦ લાખ ફાળવવા માટે કરી હતી ત્યારે આરોગ્યની સેવાઓ સઘન બનાવવાની વાતો કરતા જિલ્લા પંચાયતના સદસ્યોએ તરત જ ઇનકાર કરી દીધો હતો અને રાજ્ય સરકાર તરફથી આવેલી રૂપિયા સવા કરોડની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરવા માટે વણપુછી સલાહ આપી હતી. તો ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય ડો.સી.જે ચાવડાએ પોતાની ગ્રાન્ટમાંથી જરૂર પડે તો રૂપિયા આપવાની સહમતી દર્શાવી હતી.