સરગાસણમાં માર્ગો ઉપર ગટરના દુષિત પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રસ્ત
- અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોને દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે
ગાંધીનગર, તા. 18 જુલાઇ 2020, શનિવાર
ગાંધીનગર શહેર પાસે આવેલાં સરગાસણમાં ગટરના ગંદા પાણી માર્ગો ઉપર ફરી વળતાં અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોને પારાવાર દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. આ વિસ્તારમાં અવાર નવાર આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. જેથી તંત્ર દ્વારા કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક રહિશોમાં માંગ ઉઠવા પામી છે.
ગાંધીનગર શહેરની આસપાસ વિકાસ પામી રહેલાં નવા ગાંધીનગરમાં અસંખ્ય સોસાયટીઓમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યાં છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા વિકાસના કામો તો કરવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ઉણું ઉતરતું હોય તેમ જરૂરી વ્યવસ્થા પણ ઉભી કરી શકતું નથી. ત્યારે શહેર નજીક આવેલા સરગાસણમાં માર્ગોની આસપાસ નાંખવામાં આવેલી ગટરલાઇનો ખોદકામની પ્રવૃત્તિના પગલે લીકેજ થતી હોય છે અને તેનું ગંદુ પાણી મુખ્યમાર્ગો ઉપર પણ વહેતું હોય છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે વરસાદી પાણીની સાથે સાથે ગટરના દુષિત પાણી પણ માર્ગો ઉપર વહેતાં હોવાના કારણે સ્થાનિક રહિશોને પણ પારાવાર દુર્ગંધનો સામનો કરીને અવર જવર કરવી પડે છે તો બીજી તરફ દુષિત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવાની દહેશત રહિશોને સતાવી રહી છે. તંત્ર દ્વારા માર્ગો ઉપર વહેતા ગટરના દુષિત પાણીને બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. જેથી આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.