કુલીનચંદ્ર યાજ્ઞિકને ઉ.ગુ. યુનિવર્સિટીની સૌપ્રથમ ડીલીટની માનદ પદવી અપાશે
- ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણશાસ્ત્રી
- ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક અને પ્રથમ વાઈસ ચાન્સેલર 94 વર્ષીય કુલીનચંદ્રને પદવીથી નવાજવા ગુજરાતના ગવર્નરે જાહેરાત કરી
નડિયાદ, તા.૯ જુલાઇ 2020, ગુરૂવાર
ગુજરાતના જાણિતા સનદિ અધિકારી અને શિક્ષણ શાસ્ત્રી તરીકે લોકચાહના મેળવનાર કુલીનચંદ્ર યાજ્ઞિકને રાજ્યના ગવર્નરે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરફથી ડીલીટની માનદ્ પદવી એનાયત કરવાની જાહેરાત કરી છે.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી તરફથી પોતાના પ્રથમ અને સ્થાપક કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિાકને ડીલીટની પદવીથી નવાજવા માટે રાજ્યપાલને ઘણાં સમયથી દરખાસ્ત કરવામાં આવી હતી. જેને માન્ય રાખીને સ્ટેટ ગવર્નર હાઉસે આજે આ જાહેરાત કરી છે. યાજ્ઞિાકસાહેબ તરીકે જાણીતા કુલીનચંદ્ર છેલ્લાં દશ વર્ષથી પોતાના વતન નડિયાદ શહેરમાં સ્થાયી થયા છે. તેઓ ગુજરાતના અગ્રણી સમાચારપત્રોમાં નિયમિત લેખન કરીને સંસ્કૃતના વિધ્વાન તરીકે લોકચાહના મેળવી ચૂક્યા છે.
યાજ્ઞિાકસાહેબ ૧૯૮૫માં રાજ્યના ચીફ એજ્યુકેશન સેક્રેટરી તરીકે કાર્યરત્ હતા. ત્યારે તત્કાલીન સરકારે તેમને ઉત્તરગુજરાતમાં યુનિવર્સિટી ઉભી કરવાની કામગીરી સોંપી હતી. જે સંપૂર્ણ થતા ૧૯૮૬થી ૧૯૯૨ સુધીની બે ટર્મ દરમ્યાન કુલીનચંદ્ર યાજ્ઞિાકને તેના પ્રથમ વાઇસ ચાન્સેલર બનાવ્યા હતા. શ્રી યાજ્ઞિાકે પાટણમાં આ યુનિવર્સિટી ઉભી કરવા માટે જમીન સંપાદનથી માંડીને ડિપાર્ટમેન્ટો ઉભા કરવા, યુનિવર્સિટીના મુખપત્ર અને પ્રતિક ચિહ્નો બનાવવા તથા ઉચ્ચ શિક્ષણમા મોંઘેરી લોકચાહના મેળવવાના યાદગાર કાર્યો કર્યા છે. જ્યાં સુધી પાટણમાં યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી લાંબો સમય રાંધેલું ભોજન નહીં ખાવાની બાધા પણ તેમને લીધી હતી.
તેઓ ૧૯૫૧થી સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ તરીકે હતા. ત્યારબાદ ૧૯૭૩થી આઇએએસ કક્ષામાં નિયુક્ત થયા હતા. અને રાજ્યના ગવર્નરના સચિવ, મુખ્યમંત્રીના અગ્રસચિવ, ઉદ્યોગ વિભાગના સેક્રેટરી તથા શિક્ષણ સેક્રેટરી તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી ચૂક્યા છે. વળી ગુજરાતમાં ડાંગ, ભરુચ અને વડોદરા જિલ્લામાં સફળ કલેક્ટર પણ રહી ચૂક્યા છે.
છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્કૃત સુભાષિતો અને સંસ્કૃત શ્લોકોના લેખનમાં સક્રિય છે. તેમના વહીવટની વાતો તથા સુભાષિત સાર નામના પુસ્તકો પણ ખૂબ લોકપ્રિય થયા છે. આજે ૯૪ વર્ષની ઉંમરે પણ તેઓ નિયમિત લેખનકાર્ય કરી રહ્યા છે.