મહેસાણાના પાલાવાસણા, લાડોલ, ખરોડમાં તીડના ઝુંડનું આક્રમણ
- મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ૬૪ ટીમને જવાબદારી સોંપવામાં આવી
- કૃષિ પાકોને નુકસાન કરે તેવી સંભાવના, ૨૨ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન તીડ આક્રમણની શક્યતા
મહેસાણા,
તા. 14 જૂન, 2020, રવિવાર
મહેસાણા તેમજ જોટાણા પંથકમા ંગતરોજ તીડના ઝુંડ જોવા મળ્યા
હતા. આ ઝુંડ પૈકી કેટલાક તીડ મહેસાણાના પાલાવાસણા તો કેટલાક તીડ વિજાપુર પંથકમાં
ફંટાયા હતા. વિજાપુરનાલાડોલ અને ખરોડ ગામની સીમમાં તીડના ઝુંડ આવી ચડતા ખેતીવાડી
કચેરીની ટીમ તેમજ ખેડૂતો દ્વારા તીડ ભગાડવાની કામગીરી શરૃ કરી હતી. ટીમો દ્વારા
દવા છંટકાવ તથા ખેડૂતોએ અવાજ કરી તીડ ભગાડયા હતા. આ તીડ સાબરકાંઠાના ઈડર તરફ પવનની
દિશા તરફ ફંટાયા હતા તેમ મહેસાણા ખેતીવાડી અધિકારી કચેરી સુત્રોએ જણાવ્યું હતું.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ,
બનાસકાંઠામાં જૂન માસની ૨૨ તારીખથી ૧૫ જુલાઈ એટલે કે ૨૩ દિવસ દરમિયાન રણ તીડ
આક્રમણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યમાન, સોમાલીયાથી કિનારા
માર્ગે ગુજરાતના દ્વારકા ખાતેથી તીડ રાજ્યમાં પ્રવેશ કરશેની શક્યતા તીડ નિયંત્રણ
વિભાગ દ્વારા કરાઈ છે. તીડથી થનારા નુકસાનથી બચવા માટે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં
જિલ્લા ખેતીવાડી કચેરી તેમજ કેન્દ્રની મળી ૬૪ જેટલી કીમોને તીડ નિયંત્રણની કામગીરી
સોંપવામાં આવી છે.
અસંખ્ય તીડના આક્રમણની સંભાવના વચ્ચે મહેસાણા, પાટણ, બનાસકાંઠા
જિલ્લામાં યુધ્ધના ધોરણે તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ ૬૪ ટીમોની સર્વે તેમજ
દવા છંટકાવ તથા ખેડૂતોના માર્ગદર્શન સાથે તીડ નિયંત્રણની જવાબદારી પણ સોંપાઈ છે.
મહેસાણા જિલ્લામાં ૩૪, બનાસકાંઠામાં
૧૫ અને પાટણમાં ૧૫ મળી ૬૪ ટીમોની રચના કરવામાં ાવી છે. તીડ આક્રમણ સમયે કોઈ ખેડૂત
દવા છંટકાવ કરે તો તેને પ્રતિ હેક્ટર રૃા. ૧૨૦૦ જેટલી રકમ દવા સામે રૃા. ૩૦૦ મજુરી
પેટે ખેતીવાડી કચેરી દ્વારા ચુકવવામાં આવશે તેમ સુત્રો દ્વારા પણ જણાવાયું છે.
મહેસાણા,
પાટણ અને બનાસકાંઠામાં ગ્રામસેવકો દ્વારા ખેડૂતોને તીડ આક્રમણનો સામનો કેવી
રીતે કરવો તેની તાલીમ આપવાની સાથે પંપ તથા અવાજ કરતા સાધનો સહિતની વસ્તુઓ તૈયાર
રાખવા સુચના કરવામાં આવી છે.
પ્રતિ ૧ ચોરસ કિમી.માં તીડની સંખ્યા ૮ કરોડ સુધીની હોઈ શકે
કેન્દ્રની તીડ નિયંત્રણ ટીમોે યમન અને સોમાલીયાથી દરિયા
કિનારે તીડના મોટા ઝુંડ ટ્રેસ કરતા દેશના વિવિધ રાજ્યો તેમજ ગુજરાતને પણ સાવધાન
કરાયું છે. કારણ કે જૂનના અંતિમ સપ્તાહથી લઈ જુલાઈના પ્રથમ પખવાડિયા દરમિયાન તીડના
મોટા ઝુંડ રાજ્યમાં આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ૫ થી ૭ કિમી.નું એક ઝુંડ
પ્રતિ ચોરસ કિમી.માં તીડની સંખ્યા ૮ કરોડ થી વધુની હોઈ શકે છે.