મહેસાણા પોલીસ બેડાના 22 કર્મીઓની આંતરીક બદલીનો હુકમ
- 19 પોલીસ કર્મચારીઓ માંગણીના સ્થળે બદલાયા
- બે પોલીસ કોન્સ્ટેબલની જાહેરહિતમાં અને એક હેડકોન્સ્ટેબલની વહિવટી કારણોસર બદલી
મહેસાણા,તા.26 જૂન 2020, શુક્રવાર
મહેસાણાના પોલીસ અધિક્ષકે પોતાના તાબા હેઠળના પોલીસ મથકોએ ફરજ બજાવતા ૨૨ કર્મચારીઓની સામુહિક બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં ૧૯ પોલીસ કર્મચારીઓને તેમની પસંદગીના સ્થળોએ મુકવામાં આવ્યા છે. બે પોલીસ કોન્સ્ટેબલની જાહેરહિતમાં જ્યારે એક હેડ કોન્સ્ટેબલની વહિવટી કારણોસર બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.
મહેસાણાના પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થ રાજસિંહે લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના ૨૨ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીનો હુકમ કર્યો છે. જેમાં પોલીસ હેડક્વાર્ટર, કડી, બાવલુ, સાંથલ, ઊંઝા, એસઓજી, એલઆઈપી અને વિસનગર નાયબ પોલીસ અધિક્ષક પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. જે પૈકી ૧૯ પોલીસ કર્મીઓને તેમની માંગણી મુજબ પસંદગીના સ્થળે બદલી કરવામાં આવી છે. જેઓ પાંચ વર્ષ સુધી ફરીથી બદલી માટેની માંગણી કરી શકશે નહી. જ્યારે મહેસાણા એલઆઈબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની વહિવટી કારણોસર તેમજ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એસઓજી શાળામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની જાહેરહિતમાં અનુક્રમે બાવલુ અને બેચરાજી પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે, મહેસાણા પોલીસ બેડામાં ફરજ બજાવી રહેલા અન્ય ૨૬ પોલીસ કર્મચારીઓએ હાલના ફરજના સ્થળેથી પસંદગીના પોલીસ મથકમાં બદલીની કરેલી માંગણી જુદા જુદા કારણોસર ગ્રાહ્ય રાખવામાં આવી નથી.