ઊંઝા એપીએમસીમાં જીરાની 50000 બોરી,ઈસબગોલની 20000 બોરીની આવક
- કૃષિ વેપારોને લીલી ઝંડી મળતા ચાઈના, સિંગાપુર, બાંગ્લાદેશ, ગલ્ફ દેશોમાં ઘરાકી ખુલી
ઊંઝા, તા. 27 મે 2020, બુધવાર
લોકડાઉનમાં કૃષિ વેપારોને આપવામાં આવેલી લીલીઝંડી તેમજ રમઝાન બાદ ચાઈના, સીંગાપોર, બાંગ્લાદેશ, ગલ્ફ દેશોમાંથી તેમજ લોકલ દેશાવરમાંથી ઘરાકી ખુલતાં ઊંઝામાં જીરા તેમજ ઈસબગોલના બજારો મક્કમ રહ્યા છે. નિકાસકારોની લેવાલી નીકળતા જીરા હાજર તથા વાયદામાં ભાવોમાં ગરમી પકડાઈ રહી છે. ઊંઝા એપીએમસીમાં આજે જીરાની ૫૦૦૦૦ બોરી ઉપરાંત તથા ઈસબગોલની ૨૦૦૦૦ બોરી ઉપરાંતના માલોની ભરપુર આવકો થતા બજારો ધમધમી ઉઠયા છે.
ઊંઝા એપીએમસીમાં આજકાલ જીરૃ, વરીયાળી, ઈસબગોલ જેવા માલોની ભરપુર આવકો આવી રહી છે. તાજેતરમાં રમઝાનના તહેવારો પૂર્ણ થતાં સ્થાનિક દેશાવર તથા વિદેશની ખાસ કરીને લોકડાઉન બાદ ચાઈના તેમજ ગલ્ફ દેશોમાંથી ઘરાકી નીકળતા નિકાસકારોની જીરા તેમજ ઈસબગોલની લેવાલીનું પ્રમાણ વધતાં બજારો ઘટયા ભાવથી ૧૦૦ રૃપિયાનો પ્રતિમણે ઉછાળો થયો છે. જીરા બજાર પ્રતિ મણે ૨૫૦૦થી ૨૬૦૦ની રેન્જમાં અને ઈસબગોલ બજાર પ્રતિ મણે રૃપિયા ૧૯૫૦થી ૨૧૦૦ની રેન્જમાં મક્કમ જણાઈ રહ્યા છે. જીરામાં આ વર્ષે ઉત્પાદન ગત વર્ષ કરતાં વધારે હોવાથી માલોનો આવરો ભરપુર આવી રહ્યો છે.
લોકડાઉન બાદ બજાર ચાલુ થતાં અત્યાર સુધીમાં પંદરેક લાખ બોરી જીરાની આવકો થવાની ગણતરી છે. ખાસ કરીને ચાીનાની ડિમાન્ડ ખુલતાં વેપારોમાં ચમકારો જોવા મળી રહ્યો છે. આર્થિક સંકળામણ અનુભવી રહેલો ખેડૂતવર્ગ પણ કૃષિ બજારો ખુલતાં માલોના વેચાણ માટે દોડી રહ્યો છે.
બીજી તરફ ઈસબગોલમાં પણ વર્ષે દહાડે ૨૦થી ૨૫ લાખ બોરીના વપરાશ સામે આ વર્ષે પાક સરેરાશ ૧૬થી ૨૦ લાખ બોરીની આસપાસ હોવાના અંદાજોને કારણે ઈસબગોલમાં તેજીની શક્યતાઓ વેપારી વર્ગ દર્શાવી રહ્યા છે. મોટેભાગે રાજસ્થાન તથા મધ્યપ્રદેશથી ઈસબગોલની આવકોનો આવરો શરૃ થતાં હાલ સુધીમાં અંદાજે છ લાખ બોરી આસપાસ ઊંઝામાં માલ ઉતર્યો હોવાની ગણતરી છે. ઈસબગોલના પણ વિદેશી વેપારો સતત ચાલુ રહેવાને કારણે બજાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે. જેના લીધે ઈસબગોલ બજારમાં આગામી સમયમાં પ્રતિ મણે ૨૦૦થી ૩૦૦ રૃપિયાની તેજી થવાની શક્યતા જોવાઈ રહી છે.