ઉત્તર ગુજરાત કોરોનાના ભરડામાં, એક જ દિવસમાં 35 કેસ, 3ના મોત
- મહેસાણા જિલ્લામાં પોઝીટીવ કેસોએ ત્રેવડી સદી ફટકારી
- સોશ્યલ ડીસ્ટન્સના અભાવના લીધે સર્જાયેલી પરિસ્થિતિઃ મહેસાણા જિલ્લામાં 12, બનાસકાંઠામાં 18 અને પાટણમાં 5 કેસનો ઉમેરો
મહેસાણા ,પાલનપુર, પાટણ,તા.01 જુલાઈ 2020, બુધવાર
અનલોક-૦૧ બાદ મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણનો ચિંતાજનક વ્યાપ વધી રહ્યો છે. બુધવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં એક સાથે ૩૫ કોરોના પોઝિટીવ કોરોના કેસો સામે અવાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. સોશ્યિયલ ડિસ્ટનના અભાવે આ પંથકમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ દિન પ્રતિદિન વધી રહી છે. રોજેરોજ નવા પોઝિટીવ કેસો ઉમેરાઇ રહ્યા છે. સામે આવેલા કેસોમાં મહેસાણાના ૧૨ ,બનાસકાંઠાના ૧૮ અને પાટણ જિલ્લાના ૫ કેસોનો સમાવેશ થાય છે. સૌથી વધુ કેસો મહેસાણા જિલ્લામાં નોંધાયા છે.
મહેસાણામાં પાંચ અને કડીમાં ચાર મળીને કુલ ૧૨ કોરોના પોઝીટીવ કેસ ઉમેરાયા છે. જ્યારે જિલ્લામાં ૩૦૧ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી સાજા થયેલા ૨૦૬ વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધી અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને સુરત ખાતે સારવાર લઈ રહેલા મહેસાણા જિલ્લાના ૨૯ દર્દીઓનો ભોગ લેવાયો છે. જેમાં વિસનગરના કાંસાના ૪૮ વર્ષીય તબીબનું બુધવારે મોત થયું છે. નોંધપાત્ર છે કે, સમગ્ર જિલ્લામાં કડી તાલુકામાં કોરોના વાઈરસનો ચિંતાજનક ફેલાવો જોવા મળી રહ્યો છે.જિલ્લાના ૧૫૦ સેમ્પલનું બુધવારે રિપોર્ટ આવતા ૧૪૮ના રિઝલ્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ ૨ના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. જ્યારે અન્ય ૮ વ્યક્તિના અન્ય ખાનગી લેબમાં પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં કુલ ૩૦૧ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી ૨૦૬ને રજા આપવામાં આવી છે.પાલનપુરમાં એક અઠવાડિયા અગાઉ કોરોનામાં સપડાયેલ પાલનપુરના અગ્રણી વેપારી તેમજ ગતરોજ કોરોના પોઝિટીવ જોવાનો રીપોર્ટ આવનાર એક વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવના વધુ ૧૮ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પાલનપુરની હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા પાલનપુરના અગ્રણી વેપારી તેલશીભાઈ લોહાણા તેમજ મંગળવારના કોરોનામાં સપડાયેલ હરિસિંહ ખુબચંદ યાદવનું સારવાર દરમ્યાન મોત નિપજતા જિલ્લામાં કોરોનાના કારણે મોતને ભેટનાર વ્યક્તિનો આંક ૧૩ થવા પામ્યો છે. પાટણ જિલ્લામાં ત્રણ પુરુષ અને બે મહિલા સહિત પાંચ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જેને લઈ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ૨૧૫ થઈ ગયા છે.પાટણ શહેરની ચાણસ્મા રોડ પર આવેલી ગૃહકમલ સોસાયટીમાં ૪૫ વર્ષીય સ્ત્રી અને ગાયત્રી મંદિર રોડ પરની અંબિકાનગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બીજી તરફ ચાણસ્મા તાલુકાના લણવા ગામમાં રામાપીરના મંદિર પાસેના રબારીવાસમાં પણ ૪૦ વર્ષીય પુરુષ, સિધ્ધપુરના કાકોશીમાં ઈસ્લામપુરામાં રહેતા ૭૨ વર્ષીય વૃધ્ધ અને વારાહીના પ્રજાપતિ વાસમાં ૬૦ વર્ષીય સ્ત્રીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
કાંસાના કોરોના પોઝીટીવ તબીબનું મોત નિપજ્યું
વિસનગર તાલુકાના કાંસા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા ર્ડા.મહેન્દ્રકુમાર મોહનભાઈ પટેલ (ઉ.વ.૪૭) ગત તા.૨૦ જૂનના રોજ સામાજિક પ્રસંગે હાજરી આપવા કાંસા આવ્યા હતા. અહીં તાવ અને શ્વાસની તકલીફ થતાં નૂતન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મહેસાણાની સાંઈક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનો સેમ્પલ લેવાતા તેનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. દરમિયાન બુધવારે ર્ડા.મહેન્દ્રકુમારને વધુ સારવાર માટે ગાંધીનગર લઈ જવાતા માર્ગમાં તેઓનું કરૃણ મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.
લીંચ ગામમાં કોરોના કેસની અફવાથી ફફડાટ ફેલાયો
મહેસાણાના લીંચ ગામમાં એક સાથે બે ડઝન પોઝીટીવ કેસો સામે આવ્યાની અફવા ફેલાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે તંત્રએ આ અંગે સ્પષ્ટતા કરી લીંચમાં હાલની સ્થિતિએ એકપણ કેસ ન હોવાનું જણાવતા હાશકારો થયો હતો. ૨૯ જૂને લીંચના શાંતિલાલ શાહ કોરોનામાં સપડાયા હતા. અને તે દિવસે જ સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં તેઓનું મૃત્યું થયું હતું. જેથી આરોગ્યતંત્ર દ્વારા ખોટી અફવા ફેલાવવા નહી અને તેનાથી દૂર રહેવા અનુરોધ કરાયો છે.
વિદેશથી આવેલા ૧૦૨૧ પ્રવાસીઓને ૧૪ દિવસના ઓબ્ઝર્વેશનમાં રખાયા
વિમાન માર્ગે વિદેશથી મહેસાણા આવેલા ૧૦૨૧ પ્રવાસીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. જેઓનો પિરીયડ પૂર્ણ થતાં ઘરે મોકલાયા હતા.૮૮૫૨૨ વ્યક્તિઓ અન્ય અસરગ્રસ્ત જિલ્લામાંથી તેમજ ૧૦૯૦૩ જણા અસરગ્રસ્ત રાજ્યમાંથી મહેસાણા જિલ્લામાં આવ્યા હતા. વળી લોકડાઉન ભંગ બદલ ૧૪૯૧૬ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કોરોનાથી પાલનપુરના અગ્રણી વેપારીનું મોત
પાલનપુર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને અગ્રણી વેપારી તુલસીભાઇ લોહાણા અઠવાડિયા અગાઉ કોરોનામાં સપડાતા તેમને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અને બુધવારે સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા વેપારી આલમમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.