મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં એક જ દિવસમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા
- ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
- અનલોક-૦૧ બાદ કોરોનાએ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર દોડયું
મહેસાણા, પાલનપુર, ડીસા, તા. 28 જૂન, 2020, રવિવાર
છેલ્લા ત્રણ માસથી કોરોના વાઈરસનો મુકાબલો કરી રહેલા મહેસાણા, પાટણ, બનાસકાઁઠા જિલ્લામાં કોરોના સંક્રમિતોના કેસોમાં સતત વૃધ્ધિ થઈ રહી છે. જેમાં અનલોક ૦૧ માં લોકલ સંક્રમણ લોકો માટે આફત સમાન બનવા પામ્યું છે. જે વચ્ચે એક સાથે વધુ ૨૨ કેસ ત્રણેય જિલ્લામાં સામે આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં પાટણ શહેરમાં નવ, ચાણસ્મામાં એક અને હારીજમાં એક કેસ મળીને જિલ્લાનો કુલ આંક ૧૭૯ થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં આજે વધુ ચાર કેસ નોંધાયા હતા. જ્યારે બનાસકાંઠામાં ડીસામાં ૪ સહિત જિલ્લામાં સાત કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે.
મહેસાણા જિલ્લામાં શનિવારે ૧૬ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે બાદ રવિવારે પણ ચાર કેસ વધુ નોંધાયા છે. તેમાં કડી પંથકમાં ૩ અને મહેસાણા શહેર ખાતે ૧ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોનાને અટકાવવા સેનેટાઈઝ સહિતની કામગીરી હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં આજે ચાર પુરુષો કોરોનામાં સંક્રમિત થયા હતા. જેઓને આરોગ્ય તંત્ર દ્વારા સારવાર સહિતની તજવીજ હાથ ધરાઈ હતી.
પાટણ જિલ્લામાં કોરોના મહામારીએ ધામા નાખ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી પોઝિટિવ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જે વચ્ચે રવિવારે એક સાથે વધુ અગિયાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૪૦થી ૬૪ વર્ષના લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં બે મહિલા અને નવ પુરુષોનો સમાવેશ થાય છે. જોકે નવા કેસોમાં પાટણ શહેરની બે મહિલા અને સાત પુરુષ તેમજ એક ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામનો એક પુરુષ અને હારીજનો એક પુરુષ કોરોનામાં સપડાતા તંત્ર હરકતમાં મુકાઈ જવા પામ્યું છે. પાટણ શહેર તેમજ જિલ્લામાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં વધુ ૧૧ વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓને ધારપુર મેડિકલ કોલેજમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પાટણ જિલ્લામાં હાલ સુધી શહેરી વિસ્તારોમાં ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૯ મળી કુલ ૧૭૯ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યું હોય એમ અનલોક ૧ માં પોઝિટિવ કેસ નો ગ્રાફ ચિંતાજનક હદે વધી રહ્યો છે. જે વચ્ચે ડીસા તાલુકામાં ચાર અને પાલનપુર શહેર તેમજ તાલુકામાં ત્રણ મળીને સાત જેવા કેસ સામે આવ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને રોકવા માટે સરકાર અને તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં કોરોના કાબુમાં ન આવતા કેટલાક જાગૃત લોકો સ્વયંભુ કોરોનાથી બચવા નીત નવા અખતરા કરી રહ્યા છે. કેટલાક લોકો કોરોનાને ગંભીરતાથી ન લેતા લોકલ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેન લઈ રોજબરોજ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે.
ભાભરમાં કરિયાણાની દુકાનદારનો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ
ભાભરમાં એક કરિયાણાની હોલસેલ અને છૂટક માલની દુકાનદારને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના કારણે ભાભર તાલુકામાં ફફડાટ ફેલાયો છે. આ દુકાને કાયમી હજારો લોકો ખરીદી કરવા આવતા હતા. જેના કારણે ભાભર પંથકમાં સંક્રમણ વધે તેવી સંભાવના વધી ગઈ છે. ભાભરમા ંકરિયાણાની મોટી દુકાન ધરાવતા વેપારી મહેશભાઈ નરભેરામભાઈ કાનાબારને ત્રણ દિવસ પહેલા તાવ આવતા અમદાવાદની એક ખાનગી હોસ્પિટમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ન્યુમોનિયાના તાવની અસરથી હાઈ ડાયાબિટિસ થતા કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં આજે કોરોના પાઝિટવ કેસ નોંધાયા છે. જેના કારણે ભાભર તાલુકાના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સુરપુરાના વૃધ્ધનું કોરોનાના કારણે અમદાવાદમાં સારવાર દરમિયાન મોત
બહુચરાજી તાલુકાના સુરપુરા ગામના એક વૃધ્ધનું કોરોના મહામારીના કારણે સારવાર દરમિયાન અમદાવાદ ખાતેની એક હોસ્પિટલમાં આજે મોત નિપજ્યુ ંહતું.
બહુચરાજી નજીક સુરપુરા ગામના વતની મફાભાઈ જેસંગભાઈ દેસાઈ, ઉ.વ. આ. ૮૦ને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ ગ્લોબલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક હાઈ બીપી., ડાયાબિટિસ, જેવા રોગથી પીડાતા હતા.
ક્યાં ક્યાં કેસ સામે આવ્યા ?
પાટણમાં રસણીયા વાડામાં ૫૧ વર્ષની મહિલા, યશનગરમાં ૫૮ વર્ષીય પુરુષ, મોટી ભાટીયાવાડમાં ૫૧ વર્ષીય પુરુષ, ટાકવાડામાં ૪૦ વર્ષીય યુવક, મહાવીરનગર સોસાયટીમાં ૬૪ વર્ષીય પુરુષ, ધાધલ શેરી સાલવીવાડામાં ૬૦ વર્ષીય પુરુષ, સુરમ્ય બંગ્લોઝમાં ૩૭ વર્ષીય મહિલા અને અમરનાથ સોસાયટીમાં ૫૩ વર્ષીય પુરુષ તેમજ ચાણસ્માના ખારાધરવામાં ૪૦ વર્ષીય પુરુષ અને સ્ટેટ બેંક સામે હારીજમાં એક ૫૧ વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
પાટણ શહેરમાં ૪૬ દિવસમાં કોરોનાએ સદી ફટકારી
પાટણ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવું આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. જેને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જેમાં રવિવારે એક સાથે ૧૧ પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં પાટણ શહેરમાં કોરોનાએ માત્ર ૪૬ દિવસમાં સદી ફટકારી ૧૦૪ પર કોરોનાનો આંકડો પહોંચાડી દીધો છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસ ૧૭૯ થઈ ગયા છે.
પાટણ જિલ્લાનું કોરોના ચક્ર
કુલ સેમ્પલ - ૪ ૯ ૯ ૬
નેગેટિવ રિપોર્ટ - ૪ ૫ ૯ ૨
પોઝિટિવ - ૧ ૭ ૯
દાખલ - ૪ ૬
ડિસ્ચાર્જ - ૧૧૨
મૃત્યુ - ૨૧