મહેસાણા,તા.17 જૂન 2020, બુધવાર
સમગ્ર રાજ્ય પર તીડનું સંભવીત આક્રમણની સંભાવના સેવાઈ રહી છે. આ તીડને કંટ્રોલ કરવા કેન્દ્ર અને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા આગોતરૃ આયોજન થઈ રહ્યું છે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ તીડની સંભાવના છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ગામેગામ બેઠકો કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
મહેસાણા ખેતીવાડી કચેરી દ્વારા બે દિવસમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામવાસીઓ તેમજ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૃ કરી માર્ગદર્શન આપવામાં આવનાર છે. દ્વારકાના દરીયાઈ માર્ગેથી સોમાલીયાથી તીડના ઝુંડ રાજ્યમા ંજુનના અંતિમ સપ્તાહમાં પ્રવેશ કરશે તેમ ખેતીવાડી કચેરીના સૂત્રો દ્વારા જણાવે છે. ત્યારે કરોડોની સંખ્યામાં તીડ રાજ્યમાં પ્રવેશનાર છે અને તેની સંભવીત અસર મહેસાણા જિલ્લામાં પણ જોવાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં ખેતીવાડી કચેરી દ્વારા વિવિધ ટીમો દ્વારા ગામેગામ માર્ગદર્શન આપવામાં આવશે અને ખેતી તેમજ ગ્રામ્ય વિસ્તારની હરીયાળીને નુકશાનીથી બચાવવા સમજણ પુરી પાડવામાં આવશે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શું કહે છે?
આ મામલે મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ભટ્ટે જણાવ્યું હતું કે જિલ્લામાં તીડની સંભાવનાના પગલે કેમ્પેઈન ચલાવવામાં આવશે અને તીડ કેવી રીતે ભગાડવા તેમજ દવા છંટકાવ સહિત મુદ્દે ખેડૂતો અને ગામવાસીઓને ગામેગામ માર્ગદર્શન ટીમો દ્વારા આપવામાં આવશે.
ખેતરની ચારેબાજુથી તીડને ઘેરો
મહેસાણા જિલ્લામાં તીડની સંભાવના જોતા ખેતીવાડી કચેરી દ્વારા કમરકસી છે. જો ખેતરમાં તીડ આવે તો ખેડૂતોએ ચાર ખેતરમાં ચાર અલગ અલગ બાજુ પર ગોઠવાઈ જઈ એક તરફ ધુમાડો, બીજી તરફ થાળી વગાડવી, તો સામેની બાજુ પર ટ્રેક્ટરનો અવાજ કરવો તો ચોથા ખુણામાં ફટાકડા ફોડી તીડને ભગાડી શકાય છે. ખેડૂતોને ફટાકડા ફોડવાની પણ ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી રહી છે.
તીડની જાણ સાયરન વગાડી કરાશે
જો તીડ આવે તો ગામમાં ડેરીની સાયરન અથવા ડેરીમાં સાયરન ન હોય તો મંદિરમાં કે અન્ય પ્રકારના અવાજ દ્વારા પંચાયત થકી ખેડૂતોને તીડની જાણ થાય તેવી વ્યવસ્થા ખેતીવાડી કચેરી દ્વારા તીડના સંભવિત આક્રમણ સમયે ગોઠવવામાં આવશે.


