Gujarat

મહેસાણા જિલ્લામાં કોરોના બેફામઃ એક જ દિવસમાં 23 પોઝિટિવ કેસ ઉમેરાયા

By GS Team
10 Jul 20202 mins read
This article was originally published on 10 Jul 2020
મહેસાણા જિલ્લામાં કોરોના બેફામઃ એક જ દિવસમાં 23 પોઝિટિવ કેસ ઉમેરાયા

મહેસાણા, પાલનપુર, ડીસા, તા. 09 જુલાઈ 2020, ગુરૂવાર

ઉત્તર ગુજરાતમાં આફ્ટર લોકડાઉન કોરોના સંક્રમણનો વ્યાપ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. રોજબરોજ ૩૦થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં મહેસાણા જિલ્લામાં ૨૩, બનાસકાંઠામાં ૬ પોઝીટીવ કેસ આવ્યા હતા. જ્યારે પાટણ જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ આજના દિવસે ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૪૭ થઈ છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ૩૪૪ અને પાટણ જિલ્લામાં કુલ 306 નોંધાયા છે. 

મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૪૪૭ પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૨૬૨ વ્યક્તિઓને સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ૧૫૦ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સરવાર લઇ રહ્યા છે. ગુરુવારે મહેસાણા તાલુકામાં ૯, કડીમાં ૬, બેચરાજી, ઉંઝા અને વિસનગરમાં ૨-૨ તેમજ જોટાણા અને વિજાપુરમાં ૧-૧- કેસ મળી કુલ ૨૩ દર્દીઓનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે.  બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે ૬ કેસ સામે આવ્યા છે.  જેમાં અનારપુરછોટા, દિયોદરના લુન્દ્રા, શિહોરી અને ડીસાના કેસો નોંધાયા છે. 

 બનાસકાંઠાના જિલ્લા વડા મથક પાલનપુર અને વેપારી મંથક ડીસામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસનો વ્યાપ વધતાં વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવા અનુરોધ કરાઈ રહ્યો છે. 

પ્રભારી સચિવે કોવિડ વોર રૂમમાં કોરોના સંક્રમિત દર્દીઓ સાથે વાતચીત કરી

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ અરૃણકુમાર સોલંકીએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ અને કંટ્રોલ રૃમ કોવિડ વોર રૃમની મુલાકાત લઈ વિડીયો કોલના માધ્યમથી પાલનપુર અને ડીસા કોવિડ હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવેલ કોરોના પોઝિટિવ દર્દીઓ અને નર્સ તથા ડોક્ટરો સાથે વાતચીત કરી તેમના ખબરઅંતર પુછ્યા હતા અને હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધા અને સારવાર અંગે માહિતી મેળવી હતી. 

સિધ્ધપુરમાં કોરોનાના પરીક્ષણમાં સુવિધાનો અભાવ

સિધ્ધપુર શહેર, તાલુકામાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધતા કુલ પોઝિટિવ આંક ૪૦ થઈ ગયો છે ત્યારે બીજી તરફ કોરોના માટે જરૃરી સીટી સ્કેન માટે લોકોને મહેસાણા જવું પડે છે તેમજ સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં કોરોનાના લેવાતા સેમ્પલ પણ કરવામાં આવતા હવે ઉંમરલાયક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈ શહેરમાં કોરોના માટેની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.