મહેસાણામાં કોંગ્રેસના કાર્યકરોએ ઉંટલારીમાં નીકળી વિરોધ દર્શાવ્યો
- કોરોના મહામારીમાં દિન-પ્રતિદિન વધતા પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ
- કાર્યક્રમની શરૃઆત થતાં જ પોલીસે કાર્યકરોની અટકાયત કરીઃ વડનગર, ખેરાલુમાં મામલતદારને આવેદન
મહેસાણા,તા.25 જૂન 2020, ગુરૂવાર
કોરોના મહામારીને કારણે ૨૩મી માર્ચથી લોકડાઉન થયું હતું. અને ત્યારબાદ લોકો ગંભીર હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર પડતા પર પાટુ મારી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારી પ્રજાને બોઝ આપી રહી છે. આ મામલે મહેસાણા શહેર કોંગ્રેસે પ્રજાના હિતને લક્ષમાં લઈ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ કાર્યક્રમની શરૃઆત થતાંની સાથે પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.
મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટની આગેવાની હેઠળ ગુરૃવારના રોજ સવારના ૧૦-૩૦ કલાકે કૃષ્ણના ઢાળ પાંચ લીમડી આગળ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધ પ્રદર્શન માટે કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહેસાણા પાલિકા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, વિપક્ષ નેતા જયદિપસિંહ ડાભી, કોર્પોરેટર અમિત પટેલ તથા મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ રીટાબેન, આશાબેન, અનિતા સહિત મોટી સખ્યામાં કોર્પોરેટર કાર્યકરો ઉપસ્તિત રહી અનોખો વિરોધ કર્યો હતો. જેમાં કાર્યકરો ઉંટલારીમાં બેસી બજારમાં થઈને કસ્બા ચોકી આગળ કાર્યક્રમ પૂર્ણ કરવાનો હતો. પરંતુ કાર્યક્રમની શરૃઆત કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી વિરોધ કરતા અટકાવ્યા હતા. જોકે પોલીસવાનમાં પકડાયેલ કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચો તેમજપોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે ઉંટલારી અને ઉંટને પણ ઝડપી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ શું કહે છે?
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીમાં પ્રજા પિસાઈ રહી છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા તમામ ક્ષેત્રે ભાવવધારો કરી રહી હાલમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરી રહી છે. જેનો અમો પ્રજાના હિત ખાતર સરકારને જગાડવા વિરોધ કરી રહ્યા છીએ. ત્યારે છાશવારે પોલીસ વિલન બની અમારા કાર્યકરોની ધરપકડ કરે છે. કડીમાં વિશ્વ હિન્દુ પરિષદે કાર્યક્રમ કર્યો ત્યારે પોલીસ ક્યાં હતી. આજે કાર્યકરોની અટકાયત કરી છે. અને જો અમારી ઉપર ૧૮૮ની કલમ લગાવી ફરિયાદ કરવામાં આવશે તો હવે પછી જલદ કાર્યક્રમ આપીશું.
વડનગર-ખેરાલુ મામલતદારને આવેદનપત્ર આપ્યું
વડનગર અને ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એકબાજુ સરકાર કરોડો રૃપિયાના લોલીપોપ જેવા માયાવી પેકેજ જાહેર કરી બીજી તરફ પેટ્રોલ-ડીઝલમાં દરરોજ ભાવ વધારો કરી ખીસા ખંખેરવાની શીયાળવૃત્તિ દાખવી રહી છે. આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રૂડના ભાવ તળીયે હોવાછતાં સરકાર એક વેપારીની જેમ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરી પ્રજાને લૂંટી રહી છે. તાત્કાલિક અસરથી સરકાર પેટ્રોલ-ડીઝલનો ટેક્ષ ઘટાડે તેવી અપીલ કરી છે. કોઈ પગલાં ભરવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે પ્રધાનમંત્રીના માદરે વતનમાં આંદોલનની ચિમકી ઉચચારી છે.