Get The App

દહેગામમાં ગેરકાયદે ધમધમતું કોવિડ સેન્ટરઃઆરોગ્ય તંત્રના દરોડા

- કોવિડ હોસ્પિટલ માટે સરકારની મંજુરી ફરજિયાત છે ત્યારે

- ખાનગી હોસ્પિટલે કોરોનાના બે દર્દીઓને દાખલ કરવાની ગંભીર ક્ષતિ છતાં નોટિસ ફટકારીને તંત્રએ સંતોષ માની લીધો

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
દહેગામમાં ગેરકાયદે ધમધમતું કોવિડ સેન્ટરઃઆરોગ્ય તંત્રના દરોડા 1 - image


ગાંધીનગર, તા. 10 જૂન, 2020, બુધવાર

રાજયમાં કોરોના મહામારી સામે લડવા સરકારી સાથે ખાનગી હોસ્પિટલોને પણ તંત્ર દ્વારા નિયત કરવામાં આવી છે પરંતુ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કોઈપણ જાતની મંજુરી વગર ખાનગી હોસ્પિટલમાં કોવિડના બે દર્દીઓને સારવાર આપવામાં આવતું હોવાનું આરોગ્ય તંત્રના ધ્યાને આવતાં આરોગ્ય તંત્રએ દરોડા પાડીને હોસ્પિટલ સંચાલકોને નોટિસ ફટકારી હતી. આટલી ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલ સામે સીલીંગ સુધીના પગલાં કેમ ભરાયા નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે.  

વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે કેન્દ્ર અને રાજય સરકાર ઉંધા માથે થઈ ગયા છે. આવી સ્થિતિમાં ચેપી બિમારીના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોને કોવિડ કેરમાં ફેરવવામાં આવી હતી તેમજ ખાનગી હોસ્પિટલોને પણ વિવિધ શરતોને આધિન મંજુરી આપવામાં આવી રહી છે. આ ચેપી બિમારીના કારણે હોસ્પિટલમાં અન્ય કોઈ દર્દીઓને ચેપ લાગે નહીં તે જોવાનું મહત્વનું છે ત્યારે ગાંધીનગરના દહેગામમાં આવેલા શ્રીજી હોસ્પિટલના તબીબ ડો.વિશાલ ચતુર્વેદી દ્વારા તંત્રની કોઈ જ મંજુરી સિવાય ગેરકાયદેસર રીતે હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે જિલ્લા આરોગ્ય તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા આ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી અને હકીકત સાચી હોવાનું જણાતાં આ હોસ્પિટલને આરોગ્ય તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે કોઈ મંજુરી લેવામાં આવી નહોતી કે કોઈ સાવચેતી પણ રખાઈ નહોતી. જેના કારણે અન્ય દર્દીઓને ચેપ લાગવાની પણ શંકા સેવાઈ રહી છે. જો કે હાલ તો તંત્રએ નોટિસ આપીને સંતોષ માની લીધો છે પરંતુ આગામી સમયમાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તો નવાઈ નહીં. કેમકે આ મહામારી જાહેર કરવામાં આવી હોવાથી સમગ્ર દેશમાં એપેડેમીક એકટ લાગુ કરવામાં આવ્યો છે. 

Tags :