કોરોનામાં હોટ સ્પોટ બનતાં કલોલમાં આરોગ્ય કમિશ્નર અને કલેક્ટરના ધામા
ગાંધીનગર, તા. 18 જૂન 2020, ગુરૂવાર
ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે કલોલમાં કેસ વધી રહ્યાં છે. એટલું જ નહીં કલોલમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે જેને લઇને આરોગ્ય કમિશ્નર અને કલેક્ટરે કલોલમાં કોરોનાની સમિક્ષા કરી હતી.
ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે ૧૪૩ પોઝિટિવ દર્દીઓ કલોલમાં નોંધાયા છે. જે પૈકી ૧૩ના મોત પણ થયાં છે. કલોલમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. શહેરના ગીચ વિસ્તારો અને બજારમાંથી પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. જેને લઇને આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. સ્થાનિક અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ કોરોનાના કેસ કાબુમાં લઇ શકાતાં નથી. ત્યારે આરોગ્ય તંત્ર જ નહીં પરંતુ સ્થાનિક અને જિલ્લા વહિવટી તંત્રની આ નિષ્ફળતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય કમિશ્નર કલોલ ગયા હતાં.
કલોલ શહેરમાં વધતાં જતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય કમિશ્નર અને કલેક્ટરે સ્થાનિક તંત્રને સાબદા રહેવા સુચના આપી છે. એટલું જ નહીં ફરજીયાત માસ્ક પહેરવાના નિયમનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યાવાહી ઉપરાંત રાત્રી કર્ફ્યુ, સોશ્યલ ડીસ્ટસીંગનું કડક અમલવારી કરાવવા આદેશ પણ આપવામાં આવ્યો છે.