Get The App

ગાંધીનગર જિલ્લામાં ચોમાસાની સિઝનનો 41 ટકા વરસાદ નોંધાયો

- માણસામાં 49.22, દહેગામમાં 44.67 તો ગાંધીનગરમાં 39.21 અને સૌથી ઓછો કલોલ તાલુકામાં 29.88 ટકા વરસાદ પડયો

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીનગર જિલ્લામાં ચોમાસાની સિઝનનો 41 ટકા વરસાદ નોંધાયો 1 - image


ગાંધીનગર, તા. 28 જુલાઇ 2020, મંગળવાર

ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસાની મોસમનો વહેલો પ્રારંભ થયો છે. ત્યારે અત્યાર સુધી માણસા તાલુકામાં સૌથી વધુ વરસાદ એટલે કે ૪૯.૨૨ ટકા નોંધાયો છે. તો જિલ્લાના દહેગામ તાલુકામાં ૪૪.૬૭, જ્યારે ગાંધીનગર તાલુકામાં ૩૯.૨૧ અને સૌથી ઓછો વરસાદ કલોલ તાલુકામાં ૨૯.૮૮ ટકા પડયો છે. આમ આ વર્ષે ચોમાસાની મોસમમાં ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૪૧ ટકા જેટલો વરસાદ અત્યાર સુધી પડી ચુક્યો છે.

સરકારી ચોપડે દર વર્ષે ચોમાસાની મોસમનો ૧૫મી જુનથી વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે. ત્યારે આ વર્ષે રાજ્યમાં બદલાયેલા હવામાનના પગલે સિઝનનો પણ વહેલો પ્રારંભ થયો હતો. જુન માસના પ્રથમ સપ્તાહમાં જ વરસાદે આગમન કરી દીધું હતું. તો ગાંધીનગર જિલ્લામાં પણ મોસમની શરૂઆત વહેલી થતાં ખેડૂતોએ પણ વાવણી શરૂ કરી દીધી હતી. આમ આંતરે દિવસે બદલાતાં હવામાનના પગલે વરસાદ જિલ્લામાં પડી રહ્યો હતો. આમ ગાંધીનગર જિલ્લામાં આવેલાં ચારેય તાલુકામાં અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ પડી ચુક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ માણસા તાલુકામાં ૪૯.૨૨ ટકા નોંધાયો છે. ચોમાસાની સિઝનને શરૂ થયાને ૫૦થી વધુ દિવસ થઇ ગયા છે ત્યારે માણસામાં ૩૯૮ એમ.એમ. વરસાદ પડયો છે. જ્યારે દહેગામ તાલુકામાં ૩૭૦ એમ.એમ. એટલે કે ૪૪.૬૭ ટકા વરસાદ તો ગાંધીનગર તાલુકામાં ૨૭૧ એમ.એમ. એટલે કે ૩૯.૨૧ ટકા વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લાના કલોલ તાલુકામાં આ મોસમનો સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી પડયો છે. ૨૩૬ એમ.એમ. એટલે કે ૨૯.૮૮ ટકા વરસાદ નોંધાયો છે. 

ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં સરેરાશ અત્યાર સુધી ૩૨૧ એમ.એમ. એટલે ૪૧.૦ર ટકા વરસાદ પડયો છે. આમ ચોમાસાની મોસમમાં હજુ પ૦ જેટલા દિવસ થયા છે ત્યારે આગામી દિવસોમાં બદલાતાં હવામાનના પગલે વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 

ગાંધીનગર શહેરમાં અત્યાર સુધી 15 ઇંચ વરસાદ 

 રાજ્યના પાટનગરમાં આ વર્ષે બદલાયેલા હવામાનના કારણે  ચોમાસાની મોસમે વહેલું આગમન કર્યું હતું. જુન માસના પ્રથમ સપ્તાહમાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થયો હતો. આમ વરસાદી સિઝનમાં પાટનગર પણ બાકાત ન રહ્યું હોય તેમ વરસાદ શરૂ થયો હતો. હાલમાં સિઝનને શરૂ થયાને દોઢ માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે અત્યાર સુધી પાટનગરમાં ૩૮૧ એમ.એમ. વરસાદ ખાબક્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આંશિક વધારો પણ વરસાદમાં નોંધાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોમાસાની મોસમ પણ પુર્ણરૂપે શહેરમાં જામી હોય તે પ્રકારે સવાર અને સાંજના સમયે વરસાદ ખાબકી રહ્યો છે આમ જુન માસમાં મોસમનો પાંચ ઇંચ વરસાદ પડયો હતો. તો બીજી તરફ જુલાઇ માસમાં અત્યાર સુધી ૧૦ ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસી ચુક્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ પાટનગરમાં વરસસે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરાઇ છે.

Tags :